નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રી પર્વે માનવ મહેરામણ ઉમટ્યો

છેલ્લા સાત દિવસથી સાડા સાત કરોડ જાપ સાથે હોમાત્મા યજ્ઞ ચાલુ

(રિશી રૂપારેલીયા) દ્વારકા : આજે મહાશિવરાત્રિ નિમિત્તે દ્વાદર્શ જ્યોતિર્લિંગ પૈકી એક દ્વારકામાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શિવભક્તોનો મેળાવડો જામ્યો છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ‘બમ બમ ભોલે’ના નાદ સાથે અલૌકિક વાતાવરણ જોવા મળ્યું છે. સવારે 5 વાગ્યે મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

દ્વારકા નજીક આવેલ દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજે મહાશિવરાત્રિના પર્વે હરી અને હરનાં દર્શન માટે ભોળાનાથના ભકતો અને શ્રીકૃષ્ણના ભકતોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આજે સ્થાનિક ભક્તો સાથે પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળ્યો હતો. સવારે કાળિયા ઠાકોરના દર્શન બાદ સ્થાનિકો સાથે પ્રવાસીઓ પણ મહાદેવને દૂધ અને જલથી અભિષેક કરી બિલીપત્ર ચડાવી શિવને પ્રસન્ન કરવા પહોંચ્યા હતા અને ગુલશનકુમાર દ્વારા બનાવાયેલ 85 ફૂટ ઊંચી શિવની પ્રતિમા જોઈ પ્રભાવિત થયા હતા. આશરે 5500 વર્ષ જૂના આ મંદિરને ગુલશનકુમાર દ્વારા જીર્ણોદ્ધાર કર્યા બાદ વધુ પ્રચલિત થયેલ આ મંદિરને રોશનીથી ઝળહળતું કરાયું છે.

આજે આખી રાત મહાપૂજા સાથે ચાર પહોરની આરતી તેમજ અહીંના પુજારી પરિવાર દ્વારા છેલ્લા સાત દિવસથી સાડા સાત કરોડ જાપ સાથે હોમાત્મા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. પુજારી મહંત ગીરધરભારથી લીલાધર ભારથીના જણાવ્યાનુસાર આ યજ્ઞ કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની મુક્તિ તથા વિશ્વ શાંતી અર્થે કરવામાં આવેલ છે. અને આ યજ્ઞની પૂર્ણાહુતિ આજે મહાશિવરાત્રીના શુભ દિને કરવામાં આવશે. તથા આજના દિન ચાર પહોરની આરતી સવારે 5.00 કલાકે કરાઇ ત્યારબાદ 7.30, રાત્રીના 12.00 કલાકે, 3.00 કલાકે તથા વહેલી સવારના 6.00 કલાકે કરવામાં આવશે. શિવરાત્રી મહાપર્વને લઈ આખા દિવસ દરમિયાન ચા, પાણી, નાસ્તો, પ્રસાદ તથા ફળહારની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા જે ભક્તો પગપાળા ચાલીને આવ્યા હોય તેમના માટે ચાર ઇલેક્ટ્રિક મસાજ ચેરની વ્યવસ્થા કરાઇ છે.