જામરાવલ ખાતે હર હર મહાદેવના નાદ સાથે રવાડી શોભાયાત્રા યોજાઇ

(રીશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ખાતે મહાશિવરાત્રિ નિમિતે રવાડીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.શિવભક્તોના હર હર મહાદેવના નાદથી આખું વાતાવરણ શિવમય બની ઉઠ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે આજના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે રાવલ ગામના શિવભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા.કોટેશ્વર મહાદેવ મંદિરના મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.જે ગામના વિસ્તારો જેવા કે હાઈ સ્કૂલ રોડ,બારપરા રોડ,પેટ્રોલ પંપ વિસ્તાર,બસ સ્ટેશન વિસ્તાર,મેઇન બજારમાંથી પસાર થઇ ચોરા વિસ્તાર અને રાવલના વર્તુ નદી કાંઠે શિવ મંદિર ખાતે નીલકંઠ મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

રવાડીમાં બળદગાડાને શણગારવામાં આવ્યું હતું.બળદગાડા ઘોડે સવારી અને બેન્ડ-વાજા સાથે રાવલની બજાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી અને આખું વાતાવરણ શિવમય બન્યું હતું.