ખંભાળિયા નજીકનો હાઇવે ફુલડોલ પદયાત્રિકો માટે હાલાકીરૂપ

રોડના કામો પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં માટે તંત્રને રજૂઆત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા ખાતે આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં કાળીયા ઠાકોરના સાનિધ્યમાં દર વર્ષે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા લાખ્ખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જેમાં ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથક ઉપરાંત જુદા જુદા રાજ્યમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અન્ય રાજ્યમાંથી પણ ચાલીને દ્વારકા ખાતે આવે છે. આ વર્ષે પણ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દ્વારકા આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

દ્વારકા ખાતે ચાલીને જતા યાત્રાળુઓ માટે હાલ ખંભાળિયા તથા દ્વારકા પંથકના નિર્માણાધીન માર્ગના કામોમાં બાકી રહેલા રસ્તાઓના નિર્માણ તથા આ માર્ગ પણ રાખવામાં આવેલા રોડ નિર્માણના કાંકરી, માટી જેવા મટીરીયલ પદયાત્રીઓ માટે ભારે મુશ્કેલી સર્જે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા વચ્ચેના રૂપિયા અગિયારસો કરોડના સી.સી. રોડ નિર્માણનું કામ હજુ પણ અનેક સ્થળે અધૂરું છે. આ વચ્ચે ખૂબ જ ખખડી ગયેલી હાલતમાં ગાડામાર્ગ જેવા રસ્તાઓ તેમજ આ વચ્ચે રહેલા કાકરી, માટીના ઢગ દ્વારકા જતા પદયાત્રિકો માટે અવરોધરૂપ તથા મુશ્કેલી સમાન બની રહેશે.

આ અધૂરા કામો તથા ડાઇવર્ઝનના કારણે હાલ અનેક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ તથા આ માટે સેવા કરવા જતા લોકોને પણ આનાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તથા જીવલેણ અકસ્માત થવાની સંભાવનાની પરિસ્થિતિ હોવાથી આ મહત્વના મુદ્દે અહીંના જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા અહીંના જિલ્લા કલેકટરને સવિસ્તૃત લેખિત પત્ર પાઠવી, આ મુદ્દે તાકીદે પગલા લેવાની રજૂઆત કરી છે.

માર્ગ પરના નડતરરૂપ ઢગલાઓ તથા ચાલવા માટેના અડચણ રૂપ એવા ડાઇવર્ઝનનો તાકિદે નિકાલ થાય તે બાબતને પદયાત્રીઓ પણ મહત્ત્વની ગણાવી રહ્યા છે.