યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા કલેકટર સહિતના અધિકારીઓ

વિદ્યાર્થીઓના વાલી ને સાંત્વના આપી, ચિંતા મુક્ત રહેવા જણાવ્યું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે થોડા સમય પૂર્વે અભ્યાસ કરવા માટે ગયા છે. જેમાં ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા યુવક અને યુવતીઓ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ સર્જાયેલા યુદ્ધમાં યુક્રેન ખાતે ફસાઈ ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ ચોક્કસ મિશન અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારત પરત લાવવાનું ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં રહેતા નિખિલભાઈ મોદીની પુત્રી યુક્રેનમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે ગઈ છે. આથી અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, તથા મામલતદાર કે.જી. લુક્કાએ આજરોજ તેઓની ખાસ મુલાકાત લીધી હતી. આ જ રીતે તાલુકાના વાડીનાર ગામે રહેતા નાગેન્દ્ર શર્માના પુત્ર પણ યુક્રેન ખાતે અભ્યાસાર્થે ગયા બાદ ત્યાં હોવાથી અહીંના પ્રાંત અધિકારી તથા મામલતદારે આ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓના વાલીઓને મળી ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ જાણી અને તેઓને ખાસ આશ્વાસન આપ્યું હતું અને વહીવટી તંત્ર તેમની પડખે જ હોવાનું કહી, કોઈપણ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો સંબંધિત તંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ભારત સરકારે આ વિદ્યાર્થીઓ વહેલી તકે પોતાના વતનમાં પરત ફરે તે માટેની જરૂરી વ્યવસ્થા હાથ ધરી છે.

સરકાર વતી અધિકારીઓની આ મુલાકાતે વિદ્યાર્થીઓના વાલીઓમાં રાહતની લાગણી પ્રસરાવી છે.