ભાણવડના રેટા કાલાવડ ગામે જુગારધામ ઉપર દરોડો: નવ શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામે રહેતા ભરત નગાભાઈ કારેણા નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રાત્રીના આશરે દોઢેક વાગ્યાના સમયે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી પોલીસે નીરવ બાબુભાઈ નકુમ, આર્જવ ઉર્ફે રવિ રામજીભાઈ નકુમ, અશોક રામદેભાઈ સોલંકી, કિશોર વેજાભાઈ કારેણા, ભરત મહેન્દ્રભાઈ શાહ, નરેન્દ્ર રણમલભાઈ ગોરફાડ, રાજેશ ગોવિંદભાઈ રાઠોડ, રોહિત મગનભાઈ નકુમ અને ભરત નગાભાઈ કારેણા નામના કુલ નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખસો પાસેથી પોલીસે કુલ રૂપિયા 50,200 રોકડા રૂપિયા 23 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની એક ઈક્કો મોટરકાર મળી, કુલ રૂપિયા 2,73,200 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.