ખંભાળિયામાં જાણીતા જ્યોતિષવિદ શાસ્ત્રીજી પ્રભુના પરામર્શ દરબારનું સુંદર આયોજન સંપન્ન

મોટી સંખ્યામાં લોકો લાભ લઈને પ્રભાવિત થયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજસ્થાન રાજ્યના બિકાનેરના વતની અને હાલ અમદાવાદ સ્થિત પુષ્કર્ણ બ્રાહ્મણોના ગૌરવ સમાન શાસ્ત્રીજી પ્રભુ દ્વારા સૌરાષ્ટ્રના જામ ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બે દિવસ માટે અહીંની પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી ખાતે પરામર્શ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાળિયા ઉપરાંત આસપાસના ગામો સાથે દ્વારકા, ઓખા, મીઠાપુર, અંજાર, ભુજ, કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, ભાણવડ, અમરેલી, જાલિયા, બગસરા, પરબડી, સાવરકુંડલા, બાબરા જેવા અનેક ગામડાં- શહેરોના અસંખ્ય લોકોએ તેમની સમસ્યાઓનો ઉકેલ મેળવીને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

શાસ્ત્રીજી પ્રભુનું ખંભાળિયાના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની પ્રશંસનીય સેવાને બિરદાવીને શાસ્ત્રીજી પ્રભુને આ નિ:શુલ્ક જ્યોતિષ કન્સલ્ટેશનને વધુ એક દિવસ લંબાવવા વિનંતી કરવામાં આવી હતી.

આ વિનામૂલ્યે જ્યોતિષ કન્સલ્ટેશન સતત ત્રણ દિવસ મોડી રાત્રી સુધી ચાલુ ચાલ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ લાભાર્થીઓએ પૌરાણિક વેદ અને પુરાણોમાં દર્શાવેલા ચમત્કારિક જ્યોતિષનો સીધો ઈન્ટરવ્યુ લઈ વિજ્ઞાનના આ યુગમાં પણ સૌકોઈ દંગ રહી ગયા.

આ સાથે ખંભાળિયા પુષ્કર્ણ બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરતા શાસ્ત્રીજી પ્રભુએ શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે ખંભાળિયાની પરંપરાગત શિવ શોભાયાત્રામાં 200 કિલો ચાંદી સાથેની અલૌકિક શોભાયાત્રા, શિવ-પાલખીનું સ્વાગત કરી, પૂજા-અર્ચના કરી અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે આરતી કરી હતી.

સાથે-સાથે ખંભાળિયાના સમસ્ત બ્રહ્મસમાજ, તેમના હોદ્દેદારો, નગરસેવકો, રાજનેતાઓ અને શહેરીજનો તેમજ ત્યાં ઉપસ્થિત તમામ પુષ્કર્ણા બ્રાહ્મણ પરિવારના સભ્યોએ આશુતોષ ભગવાન શિવના મંત્રોચ્ચાર કરી વાતાવરણને ઉત્સાહમય બનાવી દીધું હતું.

શાસ્ત્રીજી પ્રભુની સચોટ વાણીથી સૌ પ્રભાવિત થયા હતા અને તેમની આભારની લાગણી વ્યક્ત કરી હતી.