રાજ્યના બજેટને વિકાસલક્ષી ગણાવીને આવકારતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના આગેવાનો

જાહેર આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે તેવો લોકોનો મત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ વિધાનસભાના અંતિમ બજેટને ગઈકાલે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ હાલની પરિસ્થિતિમાં રાજ્યની જનતા માટે રાહતરૂપ અને વિકાસમાં વધુ એક પગથિયું ઉપર લઈ જશે તેવો આશાવાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના હોદેદારો-કાર્યકરોએ વ્યક્ત કર્યો છે.

રાજ્યની જનતાના આરોગ્ય પ્રત્યે ખાસ લક્ષ્ય આપી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વધુ એક મેડિકલ કોલેજ તેમજ દ્વારકા પંથકમાં એરપોર્ટની મંજૂરીને જિલ્લાની જનતાએ આવકારી અને રાજ્ય સરકારના આભારની લાગણી વ્યક્ત કરી છે.

આ સાથે રાજ્યમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂ. 517 કરોડની જોગવાઇ, સ્પોર્ટસ સંકુલ માટે રૂ. 47 કરોડની જોગવાઈ, કૃષિ તથા ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7,737 કરોડ, ગૌમાતા પોષણ માટે રૂપિયા 500 કરોડ, કૃષિલક્ષી વિવિધ યોજનાઓ માટે રૂ. 2310 કરોડ, નર્મદા નદીના નીરને જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવા માટે રૂ. 4359 કરોડ તેમજ શિક્ષણ, શહેરી વિકાસ, વન અને પર્યાવરણ, યાત્રાધામ વિકાસ, વિગેરે માટે મોટી રકમ ફાળવતા રાજ્ય સરકારના વિકાસલક્ષી આ બજેટને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપ પ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ઘઘડા, જિલ્લા ભાજપના પૂર્વમંત્રી દિનેશભાઈ દત્તાણી, યોગેશભાઈ મોટાણી, યુવા ભાજપના હાર્દિકભાઈ દત્તાણી, રાજુભાઈ ભરવાડ સહિતના આગેવાનો-હોદ્દેદારો તથા કાર્યકરોએ આ બજેટને આવકાર્યું છે.