અજુગતું પગલું ભરે તે પહેલાં જ વૃદ્ધને શોધી પરિવાર સાથે મિલન કરાવતી દ્વારકા પોલીસ

(રિશી રૂપારેલીયા) દ્વારકા : દ્વારકા જગતમંદિર સુરક્ષા પોલીસ દ્વારા દ્વારકા આવેલા ભાવનગરના વૃદ્ધ અગમ્ય કારણોસર કોઈ અજુગતું પગલું ભરે તે પહેલાં તેને શોધી અને સમજાવી પરિવાર સાથે મિલન કરવાયું હતું.

મુળ ભાવનગરમાં રહેતા વિવેકાનંદ પુરોહિત નામના આશરે 62 વર્ષીય વૃદ્ધ રાતના સમયે એસ.ટી. બસ મારફતે પરિવારને જાણ કર્યા વગર અને મોબાઇલ વગર દ્વારકા જવા નીકળ્યા હતા. સવારે પરિવાર ઉઠ્યા બાદ ઘરના વડીલ ન દેખાતા તપાસ આરંભી હતી. જેમાં તેઓ એક કાગળ મૂકી ગયા હતા તે મળી આવ્યો હતો. જેમાં વિવેકાનંદે પોતે દ્વારકા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. પત્ર વાંચી પરિવાર બેબાકળો થયો હતો. અને દ્વારકા પોલીસને જાણ કરી હતી.

તેથી, જગતમંદિર સુરક્ષા પોલીસના ડીવાયએસપી સમીર સારડાની સુચનાથી પી.આઈ. પી.એ.પરમાર તથા પી.એસ.આઇ. એ.એલ. ગઢવીએ તુરત જ પોલીસ જવાનો તથા મંદિરના તમામ કર્મચારીઓએ વિવેકાનંદના ફોટા સાથે વોચ ગોઠવી હતી. અને જગતમંદિરના મેઈન ગેઈટથી અંદર આવતા તમામ યાત્રીકોને તપાસ કરતા, જી.આર.ડી. સભ્ય ભારતીબહેન ચાનપા, નટુ પરમાર તથા સીક્યુરીટી દિલીપભા સુમણીયાના ધ્યાન ઊપર આવતા વિવેકાનંદને મંદિર ચોકી ઊપર લાવી પી.એસ.આઈ. એ. એલ.ગઢવી તેમજ એ.એસ.આઈ. એચ. એમ. જોષીએ પરિવારને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસે વિવેકાનંદને અજુગતું પગલું ન ભરવા સમજાવી પરિવારને સુપર્ત કર્યા હતા. જેતપુરથી તેમના સબંધી આવી, ઓળખાણ આપી સમજાવટથી લઇ ગયા હતા. અને ચોવીસ કલાકથી આક્રંદ કરતા પરિવારને રાહત થઇ હતી. અને બનાવનો સુખદ અંત આવ્યો હતો.