ખંભાળિયામાં રહેણાંકમાં રાંધણ ગેસના બાટલામાં વિસ્ફોટ: ત્રણ ઘવાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાછળના ભાગે રહેણાંક મકાનમાં રહેતા હોટલના કર્મચારીઓના મકાનમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાં આજરોજ સવારે સ્પાર્ક થયા બાદ ધડાકાભેર ફાટતાં આ સ્થળે રહેલા ત્રણ યુવાનોને ઈજા થવા પામી હતી. જ્યારે મકાનમાં પણ નુકસાની થયાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચેક કિલોમીટર દૂર આવેલી રાધે રાધે હોટલમાં મીઠાપુર તાબેના ભીમરાણા ખાતે રહેતા શત્રુઘ્નસિંહ ખુમાનસિંહ વાઢેર નામના એક આસામીએ ચલાવવા માટે ભાડે રાખી હોય આ હોટલની પાછળ ગુલાબસિંહ જાડેજા નામના એક આસામીનું મકાન પણ તેમના દ્વારા ભાડે રાખી અને આ મકાનમાં હોટલ ત્રણ કર્મચારીઓ રહેતા હતા.

મૂળ નેપાળના રહીશ અને હાલ ભીમરાણા ખાતે રહેતા તિલકસિંહ પરિયાર (ઉ.વ. 19), પ્રકાશ પરિયાર (ઉ.વ. 18) અને સંચાલક સંબંધી મયુરસિંહ જિલુભા વાઢેર (ઉ.વ. 22) આ સ્થળે રહેતા હોય, આજે સવારે આશરે આઠેક વાગ્યે તેઓએ પોતાના મકાનમાં રાંધણ ગેસનું સિલિન્ડર ચાલુ કરવા જતા તેમાં સ્પાર્ક થયો હતો અને એકાએક આગ ભભૂકી ઉઠતા તુરંત જ ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

આગના છમકલાં સાથે થયેલા બ્લાસ્ટના કારણે મકાનની દીવાલોમાં તિરાડો પડી ગઇ હતી. આ ઉપરાંત આ સ્થળે પહેલાં ત્રણેય યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં ઈમરજન્સી 108 વાન મારફતે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રહેણાંક વિસ્તારમાં સવારે થયેલા આ બ્લાસ્ટથી થોડો સમય આસપાસના રહીશોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. સમગ્ર પ્રકરણ અંગે ભીમરાણાના રહીશ શત્રુઘ્નસિંહ વાઢેર દ્વારા અહીંના પોલીસ મથકમાં જરુરી નોંધ કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે નિવેદનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.