ભાણવડ રેલવે સ્ટેશનમાં યાત્રીઓ માટે વિવિધ સુવિધાઓને ખુલ્લી મુકતા સાંસદ પૂનમબેન માડમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલા રેલવે સ્ટેશનમાં હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે યાત્રીઓ માટેની વિવિધ સુવિધાઓને લોકઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલ્વેમાં મુસાફરી કરતા સ્થાનિક લોકોની સુવિધામાં વધારો થાય તથા દિવ્યાંગજનો અને મહિલાઓને પણ તકલીફોનો સામનો ન કરવો પડે તે માટે ભાણવડ રેલ્વે સ્ટેશન ઉપર બેઠક વ્યવસ્થાના કવરશેડ, ઊંચાઈ ધરાવતા પ્લેટફોર્મ, મહિલાઓ માટે બિન વાતાનુકુલિત વેઇટિંગ રૂમ, લાલપુર, જામજોધપુર અને ગોપ રેલ્વે સ્ટેશન પર દિવ્યાગજનો માટે શૌચાલય સહિતની સુવિધાઓને ખુલ્લી મુકવામાં આવી હતી.

સાંસદ પૂનમબેનએ રેલ્વે સ્ટેશનો પર થઈ રહેલા વિકાસના કાર્યો અંગે સંતોષ વ્યક્ત કરતા ભાણવડ વિસ્તારના નાગરિકોને આ તમામ સુવિધાઓનો લાભ લેવા અને તેની જાળવણી કરવા માટે જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ડિવિઝન રેલ્વે મેનેજર મનોજ ગોયલ સહિત ડિવિઝનના રેલવે વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.