ચારણ-ગઢવી સમાજ દ્વારા ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવા સાંસદને રજુઆત

જામખંભાળિયા: ચારણ-ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેવી લેખીત રજુઆત આજરોજ ખંભાળિયામાં જિલ્લા સાંસદ પૂનમબેન માડમને કરવામાં આવી હતી.

ચારણ-ગઢવી સમાજના લોકો જન્મજાત માલધારી છે. આ સમાજના મોટા ભાગના લોકો પશુ-પાલન ક્ષેત્રે સંકળાયેલા છે. ચારણ-ગઢવી સમાજનો મોટા ભાગનો વર્ગ પશુ-પલાન ઉપર નિર્ભર છે. આ સમાજ સામાજિક તથા આર્થિક રીતે પછાત છે. જુદા-જુદા વિસ્તારમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભરવાડ તથા રબારી સમાજનો સમાવેશ ગોપાલક બોર્ડમાં કરવામાં આવ્યો છે. આ બન્ને સમાજની જેમ ચારણ-ગઢવી સમાજ પણ પશુ પાલન ક્ષેત્રે સંકળાયેલા છે. પરંતુ તેમનો સમાવેશ ગોપાલક બોર્ડમાં કરવામાં આવેલો ન હોય જેના લીધે ગોપાલક બોર્ડ તરફથી મળતા લાભો મળી શકતા નથી. આથી ગોપાલક બોર્ડમાં તેમનો પણ સમાવેશ કરવા અંગે ખંભાળિયામાં સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ખંભાળીયા તાલુકા ગઢવી યુવક પરિવાર અને ગઢવી સમાજ ટ્રસ્ટ દ્વારા સાંસદ પૂનમબેન માડમને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન ટ્રસ્ટના અગ્રણીઓ ભાયાભાઈ સંધિયા, વિજયભાઈ કારીયા, વિજયભાઈ ભોજાણી પરબતભાઈ માયાણી, જેસાભાઈ જોગાણી, પાલાભાઈ પત્તાણી, બુધાભાઈ લુણા, પબુભાઈ ધારાણી, કિશોરભાઈ રૂડાચ, ચંદ્રેશભાઈ ધમા, ડો. હરિભાઈ ભાન, દુલાભાઈ નરા વિગેરે સાથે રહ્યા હતા.