કલ્યાણપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નારી સંમેલન યોજાયું

મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં આવેલી આહિર સમાજ વાડી ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ-ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ માધ્યમ થકી રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી વકીલ સુમિત્રાબેન વસાવાએ મફત કાનૂની સહાય, પોક્સો એક્ટની સમજણ, કામકાજના સ્થળે જાતિય સતામણી, દહેજ પ્રતિબંધક ધારા હેઠળની જોગવાઈઓ તથા અભયમ્ હેલ્પલાઈન ફોન નંબર 182, મહિલા આયોગ હેલ્પલાઈન નંબર 1800-233-1111 વિશે ઉપસ્થિતોને સમજણ આપી હતી.

કલ્યાણપુર મહિલા મોરચાના પ્રમુખ વનિતાબેન ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, નારી એ નારાયણી છે કારણ કે નારી વિશ્વનું શ્રેષ્ઠ પાત્ર છે, જે જીવનમાં દિકરી, માતા, પત્નિ જેવા અનેક પાત્રો ભજવે છે. નારીના સર્જન થકી જ આ પૃથ્વી પર પ્રકૃતિ સંપૂર્ણ બની છે. તેમણે આજના સમયમાં નારીને પુરુષ સમોવળી બની આગળ વધવાની જરૂર છે તેમ પણ ઉમેર્યુ હતું. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પ્રતાપભાઈ પીંડારીયાએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ નારીઓને શિક્ષિતબની જીવનમાં પ્રગતિ કરવા માટે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હિંસાથી પીડીતોની સેવા બદલ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ અને 181 મહિલા અભયમ્ ની ટીમ તથા મહિલાઓને સલાહ-સુચન અને માનસિક હુંફ પુરી પાડવા બદલ પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ખેલાડી મહિલાઓ, કોરોના વાયરસના સમયગાળા દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરીયર્સ મહિલાઓનું પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ-ચેક વિતરણ તથા વ્હીલી દીકરી યોજના, આંગણવાડી કાર્યકર(તેડાગર), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને માતા યશોદા એવોર્ડના લાભાર્થીઓને એવોર્ડ, મંજૂરી આદેશ તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગની પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ, આરોગ્ય પોષણ શિક્ષણ, સંદર્ભ સેવાઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને દૂધ સંજીવની જેવી સાત સેવાઓના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં નારી શક્તિને પ્રદર્શિત કરતુ શક્તિ પ્રદર્શન આવકાર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે નારી શક્તિ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ પ્રસંગે સ્વાગતવિધી આઈ.સી.ડી.એસ. ઓફીસર શ્રધ્ધાબેનએ કરી હતી જ્યારે આભારવિધી દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલભાઈ જાદવએ કરી હતી.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, તાલુકા પંચાયતના પ્રમુખ નગાભાઈ ગાધેર, કાર્યપાલક ઈજનેર વાયડા, કલ્યાણપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા અગ્રણી વિક્રમભાઈ બેલા, મહિલા અગ્રણી પૂનમબેન બેલા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ તથા આંગણવાડી કાર્યકર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.