ખંભાળિયાના ચાર બારા ગામે પારિવારિક બાબતે કુટુંબીક શખ્સો દ્વારા જીવલેણ હુમલો

કુહાડી, ભાલા જવા હથિયારો વડે પરિવારજનોને ગંભીર ઈજાઓ પહોંચાડી, આઠ સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામે બે દિવસ પૂર્વે એક પરિવારના સદસ્યો પર તેમના કુટુંબીજનો એવા શખ્સો દ્વારા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ચાર વ્યક્તિઓને ઈજા થયાનું નોંધાયું છે.

આ સમગ્ર બનાવ અંગેની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામે રહેતા અભેસંગ ભુપતસિંહ જાડેજા નામના 32 વર્ષના યુવાનની નજીકમાં રહેતા તેમના કૌટુંબિક સગા એવા ગોવુભા સુરાજી જાડેજાના પુત્રના સગપણની વાત ચાલતી હોવાથી આ યુવાનો સારો અભિપ્રાય આપવામાં ન આવતા આ બાબતથી ઉશ્કેરાઈ ગયેલા ગોવુભા સુરાજી જાડેજાએ ફરિયાદી અભેસંગને કહેલ કે- “તેં અમારા છોકરાનું સગપણ કેમ તોડવાની વાત કરેલ?”- તેમ કહી, ગોવુભા સાથે રહેલા જોરુભા ગોવુભા જાડેજા અને હેમભા ચંદ્રસિંહ જાડેજાએ કુહાડી તથા લાકડી વડે ફરિયાદી અભેસંગને બેફામ માર માર્યો હતો. જેના કારણે તેમને માથામાં 15 જેટલાં ટાકા આવ્યા હતા.

આ ઉપરાંત સાથે આવેલા પ્રવિણસિંહ ગોવુભા જાડેજા, દાજીભા ઉમેદસંગ જાડેજા, ભીખુભા ઉમેદસંગ જાડેજા, જાલમસંગ બચુભા જાડેજા અને દિલીપસિંહ મનુભા ચૌહાણ નામના શખ્સોએ પણ લાકડી, ભાલુ, પાઈપ જેવા ઘાતક હથિયારો ધારણ કરી અને બેફામ હુમલો કરતાં ફરિયાદી અભેસંગ ભૂપતસિંહને ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આટલું જ નહીં, આ હુમલામાં ઇજાગ્રસ્ત અભેસંગને બચાવવા જતાં તેમના પરિવારના ભાઈ કિરીટસિંહ, ભાભી કુસુમબા તથા ભત્રીજા હરદેવસિંહને પણ આરોપી શખ્સોએ બેફામ માર મારતા તેઓને પણ ઇજાઓ થયાનું જાહેર થયું છે. હુમલો કરી, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસે અભેસંગ જાડેજાની ફરિયાદ પરથી તમામ આઠ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 307, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.