પરિવાર સાથે જાહેર જવાબદારીઓ ખંતપૂર્વક સંભાળતા દ્વારકાના નયનાબા રાણા

આજે વિશ્વ મહિલા દિવસ : જાણો.. સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રણી નયનાબા રાણાની ઉપલબ્ધીઓ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજે વિશ્વ મહિલા દિવસે દ્વારકાના 51 વર્ષીય નયનાબા રાણા કે જેમને અપરણિત રહેવાનો મોટો નિર્ણય લઈ આજે જાહેર ક્ષેત્રમાં અનેક જવાબદારીઓ નિભાવી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

દ્વારકાના નયનાબા રાણા જેમને અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો અને હાલ અનેક જાહેર ક્ષેત્રોમાં પોતે સેવા આપી અને પોતાનું નામ બનાવી અને આજની યુવતીઓ અને મહિલાઓને એક ઉદાહરણ રૂપ બની રહ્યા છે. 51 વર્ષીય નયનાબા જયેન્દ્રસિંહ રાણા કે જેઓ પરિવારમાં એક ભાઈ અને ત્રણ બહેનોમાં બીજા નંબરના બહેન છે. તેમના એકના એક ભાઈનું અવસાન બાદ તેમને માતા-પિતા અને પરિવાર માટે અવિવાહિત રહેવાનો કઠિન નિર્ણય કર્યો હતો અને હાલ પરિવારનું નામ રોશન કરી અને સમાજમાં એક સ્વચ્છ છબી ધરાવે છે.

નયનાબા રાણાની ઘણી ઉપલબ્ધિઓ છે. તેઓ છેલ્લા ૨૦૦૧થી જાહેર જીવનમાં સક્રિય થયા છે. નયનાબા પૂર્વ નગરપાલિકા સદસ્ય, આર.એસ.એસ.ની અલગ-અલગ પાંખમાં સક્રીય કાર્યકર બાદમાં હાલ દ્વારકા આવેલ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા રાધેય ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનમાં સક્રિય ટ્રસ્ટી તરીકે તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને મહિલા અને બાળસુરક્ષા સદસ્ય, નશાબંધી અને આબકારીમાં જિલ્લા સદસ્ય, મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ, મધ્યાહન ભોજન સમિતિ, ઓખા નારાયણી ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ અને અખિલ ભારતીય વિદ્યાભારતી શિક્ષણ સંસ્થાને સાથે સંલગ્ન શિશુમંદિરનાં ટ્રસ્ટી અને વ્યવસ્થાપકની જવાબદારી તેઓ આજે પણ નિભાવી રહ્યા છે. ઉપરાંત, શ્રીલંકામાં તેઓ એક રમતવીર તરીકે મેડલ લઇ આવ્યા છે અને નયનાબા રાણા એ એમ.એ. સંસ્કૃત ગોલ્ડ મેડલ વિજેતા થઈ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હતા ત્યારે આજે નયનાબા રાણા અનેક મહિલાઓને ડર મૂકી કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

આર.એસ.એસ.ની વિચારધારા સાથે સંલગ્ન નયનાબા રાણા હાલ જાહેર સેવાઓની સાથે સાથે તેમના નિવૃત્ત પિતાની એક દીકરા રાખે તે રીતે સંભાળ રાખી રહ્યા છે અને જવાબદારી નિભાવી રહ્યા છે. નાયનાબા રાણા કેન્દ્રના ભાજપમાં પણ સારી નામના ધરાવે છે પણ તેઓ આ બાબત કોઈને જણાવતા નથી. એક સ્વચ્છ છબી સાથે તેઓ નોર્મલ રીતે રહી નાનામાં નાના માણસની સેવાઓ કરી રહ્યા છે..