એક મહિલા અનેક જવાબદારીઓ : ખંભાળિયાના સક્રિય અને સફળ મહિલા નિમિષા નકુમની ગૌરવપ્રદ કહાની

આજે વિશ્વ મહિલા દિવસ : સફળ ગૃહિણી નિમિષા નકુમ આદર્શ ગૃહિણી, જવાબદાર માતા, ધર્મપત્ની ઉપરાંત અગ્રણી કાર્યકર

(કુંજન રાડિયા) ખંભાળિયા : છેલ્લા ઘણા સમયથી પ્રચલિત શબ્દ સર્વત્ર સંભળાય છે “પુરૂષ સમોવડી મહિલાઓ”. જ્યારે વર્તમાન અને સતત બદલતા સમયમાં એ કહેવું ખોટું ન ગણાય કે પુરુષ કરતા એક કદમ આગે હાલની સન્નારીઓ.

8મી માર્ચ એટલે કે મહિલા દિન. સમાજના દરેક ક્ષેત્રમાં સીધી કે આડકતરી રીતે રહેલા મહત્વના અનન્ય યોગદાનને ઉજાગર કરતો દિવસ એટલે આજનો દિવસ. વર્તમાન સમયમાં વધતી જતી હરિફાઈ તથા પડકારને ઝીલવા માટે પુરૂષને સાથી મહિલાનો ટેકો તથા સાથ અનિવાર્ય બની રહ્યો છે. સ્ત્રીઓ હવે માત્ર ગૃહિણી બની જ રહી નથી. પરંતુ વિવિધ ક્ષેત્રોમાં અહમ જવાબદારીઓ નિભાવવા સાથે સમાજનું એક અભિન્ન અંગ બની રહી છે.

આવું જ એક નામ છે નાના એવા શહેર ખંભાળિયાના યુવા અને સક્રિય મહિલા નિમિષાબેન નકુમનું. બે સંતાનો, પરિવાર તથા સામાજિક જવાબદારીઓ સાથે નિમિષાબેન નકુમ સામાજિક તથા વ્યવસાયિક ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન આપી રહ્યા છે. ખંભાળિયાના નિમિષાબેન નકુમ એક આદર્શ ગૃહિણી, જવાબદાર માતા, ધર્મપત્ની ઉપરાંત એક અગ્રણી કાર્યકર પણ છે.

આજના દિને ખંભાળિયા સહિત જિલ્લાના મહિલાના ગૌરવરૂપ એવા કાર્યકર નિમિષાબેન નકુમનું યોગદાન તથા પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કરી અને ખાસ કરીને બહેનોને મોટીવેટ કરી શકાય. નિમિષાબેન હાલ જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના મેડીકલ કેમ્પના એક્ટિવ મેમ્બર છે. આ ઉપરાંત તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ તરીકે પણ મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.

તેઓ ખંભાળિયા જાણીતી મહિલા સંસ્થા લાયનેસ ક્લબના પ્રમુખ તરીકે બે વર્ષ સુધી અવિરત રીતે નોંધપાત્ર કામગીરી કરી અને બેસ્ટ પ્રેસિડેન્ટ તરીકેનો એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે પણ ત્રણ વર્ષ ચાર્જ સંભાળી, હાલ જોઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છે. ખંભાળિયાના મહિલા મંડળના સેક્રેટરી તરીકે કાર્યરત નિમિષાબેન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત ખાસ કરીને મહિલા લક્ષી કાર્યોમાં સદાય અગ્રેસર રહે છે.

ખંભાળિયામાં આવેલી હર્ષદપુર દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા નિમિષાબેન આર્ટ ઓફ લિવિંગમાં પણ નિયમિત રીતે સક્રીય છે.

આમ, સામાજિક અને રાજકીય રીતે “વજનદાર” નિમિષાબેન તેમના ફાર્મ હાઉસ તથા વાડીમાં પણ પૂરતું ધ્યાન આપી અને કાર્યરત જોવા મળે છે. માતાજીમાં અપાર શ્રદ્ધા સાથે ધાર્મિક કામમાં પણ તેઓ કદી ચુક કરતા નથી. સૌને સાથે લઈને ચાલવાવાળા નિમિષાબેન નકુમ જિલ્લાના અનેક બહેનો માટે આદર્શરૂપ બની રહ્યા છે. ખોટી પબ્લિસિટીથી દૂર રહી અને ફક્ત જવાબદારી અને સેવા કાર્યમાં રત નિમિષાબેન નકુમ જેવા મહિલાઓને આજે મહિલા દિવસ નિમિત્તે લાખ લાખ સલામ.