ભાણવડની પરિણીતાને ત્રાસ આપવા બદલ સાસરીયા સામે પોલીસ ફરિયાદ

જામખંભાળિયા : ભાણવડની યુવતીને ત્રાસ આપવા સબબ સાસુ, સસરા તથા દેર સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

(કુંજન રાડિયા) ભાણવડના હાઈસ્કૂલ ચોક ખાતે હાલ રહેતી વિધિબેન ભીખુભાઈ દેગામા નામની 21 વર્ષની યુવતીના લગ્ન ગત તારીખ 4 એપ્રિલ, 2021ના રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે રહેતા સાગર દિનેશભાઈ દેગામા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન વિધિબેનને તેણીના પતિ સાથે સારું ભળતું હતું. પરંતુ તેણીના સાસુ નિમુબેન દિનેશભાઈ દેગામા, સસરા દિનેશભાઈ ભીખાભાઈ તથા દિયર વિશાલ દ્વારા અવારનવાર બિભત્સ ગાળો કાઢી, મારકૂટ કરવામાં આવતી હતી. આટલું જ નહીં સાસરિયાઓએ તેણીને પહેર્યે કપડે કાઢી મૂકતા આ સમગ્ર બનાવ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં વિધિબેનની ફરિયાદ પરથી સાસુ, સસરા તથા દિયર સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.