કોઈપણ રેલવે સ્ટેશનના નામ આગળ બ્રાન્ડ નેમ લગાવી શકાશે

ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગની નવી નીતિનો અમલ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : કોઈપણ કંપની પોતાની બ્રાન્ડ નેમ રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ લગાવી શકશે, ભારતીય રેલવે દ્વારા નોન-ફેર રેવન્યુ (NFR) યોજના હેઠળ રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગની નવી કલ્પના શરૂ કરવામાં આવી છે.

રેલવેની સંભવિતતાનો ઉપયોગ કરવા અને નોન-ફેર રેવન્યુ (NFR) ની આવકમાં વધારો કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત ‘કો-બ્રાન્ડિંગ ઓફ રેલવે સ્ટેશન’નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ, સંબંધિત લાઇસન્સ ધારક (બ્રાન્ડ માલિક) ને ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળના ભાગમાં તેનું બ્રાન્ડ નામ અથવા લોગો ઉમેરવાનો જાહેરાત અધિકાર સોંપવામાં આવશે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ/જાહેર ઉપક્રમો અને બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાઓ માટે ખુલ્લી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના કેવળ જાહેરાતનું સ્વરૂપ છે અને તેનો અર્થ રેલવે સ્ટેશનના નામમાં ફેરફાર થતો નથી.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ નીતિનો ઉદ્દેશ્ય ભાડા સિવાયની આવક પેદા કરવાનો છે. આ હેઠળ, લાયસન્સ ધારક (બ્રાન્ડ માલિક)ને તેનું/તેણીનું બ્રાન્ડ નામ અથવા લોગો ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ ઉમેરવાની પરવાનગી આપવામાં આવશે અને આવા બ્રાન્ડનું નામ બે શબ્દોથી વધુ ન હોવું જોઈએ. જો કે, રેલવે ટિકિટો, પબ્લિક રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ), વેબસાઇટ્સ, રૂટ મેપ, જાહેર જાહેરાત સિસ્ટમ, રેલ ડિસ્પ્લે નેટવર્ક વગેરે પર કો-બ્રાંડિંગની પરવાનગી આપવામાં આવશે નહીં, જ્યાં રેલવે સ્ટેશનનું નામ તેના મૂળ નામ પ્રમાણે જ હશે. ઉપરોક્ત વિષય પર વિગતવાર નીતિ વાણિજ્યિક પરિપત્ર નં. 7 ના 2022 વેબસાઇટhttp://www.indianrailways.gov.in હેઠળ ઉપલબ્ધ છે.

રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ નીતિના મુખ્ય લક્ષણો મુજબ રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ બ્રાન્ડ નામ અથવા લોગો ( 02 શબ્દોથી વધુ નહીં) લગાડવામાં આવશે. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની તમામ જગ્યાઓ જ્યાં રેલવે સ્ટેશનનું નામ પ્રદર્શિત અને ફરતું હોય છે તે વિસ્તારમાં કો-બ્રાન્ડિંગને મંજૂરી આપવામાં આવશે.

આ યોજના જાહેરાત એજન્સીઓ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે લાગુ પડે છે. બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિત નામાંકિત ખાનગી કંપનીઓ માટે પણ ખુલી છે. ઓપન ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા http://(www.ireps.gov.in)દ્વારા સ્ટેશનોના કો-બ્રાન્ડિંગ માટેનો કરાર 1 થી 3 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે. જગ્યા પૂરી પાડવીએ કેવળ લાયસન્સના આધારે છે.

વધુ માહિતી અને જરૂરી સહાય માટે જાહેરાત વિભાગ, વાણિજ્ય વિભાગ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.