રાવલ નજીક ઈનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

એક શખ્સની અટકાયત, એકની શોધખોળ

(કુંજન રાડિયા) જામખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ નજીક ઈનોવા કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે એક શખ્સની અટકાયત કરી છે અને એક શખ્સની શોધખોળ આદરી છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના પાટિયા પાસેથી ત્રણ રસ્તા તરફ જતા માર્ગે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન વહેલી સવારે પાંચેક વાગ્યે ચોક્કસ બાતમીને આધારે આ સ્થળેથી પસાર થતી જી.જે. 01 એચ.જે 1865 નંબરની કબૂતરી કલરની એક ઈનોવા મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતાં આ કારમાં સીટ નીચે છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

આથી ચેકિંગ કરતા કારમાંથી બોટલ મેકડોવેલ નંબર વન કંપનીની 162 બોટલ તથા 59 બોટલ ઓલ સીઝન્સ ગોલ્ડન કલેક્શન કંપનીની શરાબનો જથ્થો સાંપળ્યો હતો. આથી પોલીસે રૂ. ચાર લાખની કિંમતની ઈનોવા કાર, રૂપિયા 60,750 ની કિંમતનો દારૂ તથા રૂપિયા 23,600 કિંમતની ઓલ સિઝન સિઝન્સ ગોલ્ડન કલેક્શન વ્હિસ્કી ઉપરાંત રૂપિયા 500ની કિંમતના એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 4,84,850 ના મુદ્દામાલ સાથે પોલીસે ભાણવડ તાલુકાના રાણપર ગામના લાખા રામા કોડીયાતર નામના 33 વર્ષના યુવાનની અટકાયત કરી હતી.

દારૂના જથ્થો તેને રાણપર ગામના અરજણ આલા કોડિયાતર નામના શખ્સે ભરી આપ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, અરજણ આલા કોડીયાતરની શોધખોળ હાથ ધરી છે.