દ્વારકામાં ફાયર એનઓસી વગર ધમધમતી હોટલો સામે તંત્રની કડક કાર્યવાહી

ત્રણ હોટલોને સીલ મરાયા: હોટેલ સંચાલકોમાં ફફડાટ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે અનેક હોટેલો હાલ કાર્યરત છે. હાઈકોર્ટના આદેશ મુજબ હોટેલ, હોસ્પિટલ વિગેરે જેવા જાહેર સ્થળોમાં ફાયર અંગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોય, આ સર્ટિફિકેટ મેળવવા માટે બેદરકાર રહેતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ મારવા સુધીની કામગીરી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા ભાણવડ ખાતે ફાયર એન.ઓ.સી. ના અભાવે હોસ્પિટલ કરવા અંગેની કાર્યવાહી તાજેતરમાં જિલ્લાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ વચ્ચે દ્વારકા ખાતે આશરે 35 જેટલા હોટેલ સંચાલકોને ફાયર એન.ઓ.સી. મેળવવા અંગે અગાઉ અહીંના અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસ અને ઘોળીને પી જતા હોટેલ સંચાલકો સામે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમાર તથા સ્ટાફ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. આ અંતર્ગત આજરોજ સવારથી દ્વારકાની જુદી જુદી હોટલમાં ફાયર એન.ઓ.સી. અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ત્રણ હોટેલમાં ફાયર એન.ઓ.સી. ન હોવાથી આ હોટલને સીલ મારી દેવામાં આવ્યું હતું છે.

આ અંગે ફાયર અધિકારી પરમારે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ કરવામાં આવેલી આ કામગીરી હજુ પણ આગામી સમયમાં જારી રાખવામાં આવશે અને ફાયર એન.ઓ.સી. વગરના એકમો સીલ મારી દેવામાં આવશે. ફાયર વિભાગની કામગીરીથી હોટલ સંચાલકોમાં ફફળાટની લાગણી વ્યાપી છે

.