દ્વારકા જિલ્લાના ભાજપના 2500 કાર્યકરો અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં જશે

ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે વી.સી. યોજાઇ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લાના ભાજપના 2500 કાર્યકર અમદાવાદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં જશે. અને ઓનલાઇન રજીસ્ટ્રેશન સાથે વી.સી. યોજાઇ હતી.

અમદાવાદ ખાતે આવતીકાલે શુક્રવાર તથા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. અહીં વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેનાર હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના જુદા જુદા 10 મંડલમાંથી બસ તેમજ ખાનગી વાહનો મારફતે 2,500 જેટલા હોદ્દેદારો તથા કાર્યકરો આ કાર્યક્રમમાં જનાર છે.

અમદાવાદ ખાતે જવા માટેના આ આયોજનમાં તમામ વાહનો ખંભાળિયા નજીકના આરાધના ધામથી પ્રસ્થાન કરશે. જેમાં વિવિધ મંડલના કાર્યકરો, હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. આ માટે જરૂરી તમામ વ્યવસ્થા સંપન્ન કરવામાં આવી છે.

આ કાર્યક્રમના સુચારૂ સંચાલન અર્થે એક વિડીયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. જે મીટીંગનું સંચાલન જિલ્લા આઈ.ટી. સેલના હોદ્દેદાર હાર્દિકભાઈ મોટાણીએ કર્યું હતું. આ સમગ્ર આયોજન માટે જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી, ખંભાળિયા શહેર પ્રમુખ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.