જગતમંદિરમાં આજથી સવાર-સાંજ ભાવિકો કાળિયા ઠાકોર સંગ અબીલ-ગુલાલથી રંગે રમશે

નિજમંદિરમાં ધુળેટી સુધી હરખભેર ડોલોત્સવની ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજથી હોળાષ્ટક શરુ થતા દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં દરરોજ સવાર અને સાંજની આરતીમાં ભાવિકો કાળિયા ઠાકોર સંગ રંગે રમશે. અને આગામી ફૂલડોલ ઉત્સવ સુધી નિજ મંદિરમાં રંગોત્સવ ઉજવાશે.

વૈષ્ણવ સંપ્રદાયમાં વસંતપંચમીથી ધુળેટી સુધી 40 દિવસ ડોલોત્સવ મનાવવામાં આવે છે. જેમાં હવેલીઓમાં રોજભાગ દર્શનમાં ઠાકોરજી અને ભક્તોને નિયમિતરૂપે દરરોજ અબીલ-ગુલાલના છાંટણા કરવામાં આવે છે. હવે આજથી સવાર-સાંજ બંને સમય પ્રભુને ખેલાવવામાં આવશે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે જગપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે વસંત ઋતુના આગમનના વધામણા રૂપે આજથી ફુલડોલ ઉત્સવ સુધી રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે થતી શ્રૃંગાર આરતી તથા સાંજે ૭:૪૫ વાગ્યે થતી સંધ્યા આરતીમાં કાળિયા ઠાકોરને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગે રમાડવાનો ભાવ વ્યકત કરાશે. તેમજ ભાવિકોને પણ રંગ રમાડાશે. આમ, ફુલડોલ (ધુળેટી) સુધી જગતમંદિરમાં હરખભેર વસંતોત્સવ ઉજવાય રહ્યો છે.

આ અંગે મંદિરના પુજારીએ જણાવ્યું કે હોળી અગાઉના આઠ દિવસ હોળાષ્ટક કહેવાય છે. હોળાષ્ટનો પ્રારંભ થતા જ બંને આરતી – શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતીમાં શ્રીજીને અબીલ-ગુલાલની પોટલી ધરી નિજ મંદિરના પટાંગણમાં દર્શનાર્થીઓને ઠાકોરજીના પ્રસાદરૂપે રંગોથી રમાડાય છે. હાલમાં હજારો ભાવિકો ભગવાન સાથે રંગે રમવા ઉમટી રહ્યા છે. આગામી તા. ૧૮મી માર્ચના બપોરે ફુલડોલ ઉત્સવ નિજ મંદિરમાં પુજારી પરીવાર અને ભાવિકો દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાશે. તેમાં શ્રીજીને ચાંદીની પીચકારી ધારણ કરાવાઈ છે. પિચકારીમાં કેસુડાનો રંગ ભરી શ્રીજીને રંગી ફુલડોલ ઉત્સવ ઉજવાય છે.

આમ, આજથી હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી – બન્ને આરતીમાં અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાથી દર્શનાર્થીઓને રંગે રમાડવાનું શરૂ કરાય છે. અને મંદિરમાં ફુલડોલ સુધી આરતી સમયે ભાવિકોને રંગોથી રમાડવામાં આવશે.