દ્વારકા જતા પદયાત્રીઓ તેમજ યાત્રાળુઓની સુગમતા માટે વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં હોળી તથા ધુળેટી પર્વ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓ તેમજ યાત્રાળુઓની સુગમતા માટે વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.

વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે હોળી તથા ધુળેટીના તહેવાર દરમ્યાન આ વિસ્તાર સાથે ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે. હોળી તથા ધુળેટી દરમ્યાન રજાઓ હોવાથી બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની સંભાવના છે. ત્યારે આ તહેવાર દરમ્યાન સુહેલ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ વ્યકિત પર ઈચ્છા વિરુદ્ધ રંગ છાટવા કે કોઈની લાગણી દુભાઈ તેવા શબ્દો કે સુત્રો પોકારવા પર અહીં નિવાસી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ. જાનીએ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

જાહેરનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન તા. 17 અને 18 માર્ચ સુધી કોઈની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં અને કોઈની લાગણી દુભાઈ તેવા શબ્દો અને સુત્રો પોકારવા નહીં કે બોલવા નહીં, પત્રિકા, પ્લેકાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ અથવા વસ્તુઓ તૈયાર કે ફેલાવો નહીં કરવા માટે જણાવાયું છે.