દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની થશે ભવ્ય ઉજવણી

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : જગત મંદિર દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન હાથ ધરાનાર છે. આ માટે ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને ફુલડોલ ઉત્સવની તૈયારીના ભાગરૂપે આજરોજ બુધવારે એક બેઠક યોજાઈ હતી.

ફુલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામ દ્વારકા ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રીકો-પદયાત્રીકો આવે છે. જેમની સુરક્ષા અને વ્યવસ્થા અન્વયે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર પંડ્યાએ ફુલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રાધામ દ્વારકા ખાતે આવતા યાત્રીકો અને પદયાત્રીકોની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાને લઈ આ ઉત્સવ દરમ્યાન પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને પાણી, આરોગ્ય, રહેણાંક સહિતની વિવિધ જરૂરી વ્યવસ્થા સરળતાથી મળી રહે તે પ્રમાણે આયોજન કરવા માટે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત દ્વારકા ખાતે આ યાત્રીકો-પદયાત્રીકોને દર્શન, પાર્કીંગ, પીવાનું પાણી અને સુરક્ષા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે જણાવી આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીકોને જરુરત પડે પ્રાથમિક સારવાર મળી રહે તે માટેના કેમ્પની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિમાયક ભાવેશ ખેર, જિલ્લાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. હરીશ મટાણી, પોર્ટ ઓફીસર, ખોરાક ઔષધ વિભાગના નિયામક, કાર્યપાલક ઈજનેર એસ.ટી. ડિવીઝન અને રેલ્વે સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.