કલ્યાણપુરમાં ખેતીની જમીન પચાવી પાડનાર ત્રણ બંધુઓ સામે ગુનો

30 વર્ષ પૂર્વે જામીન પડેલા આસામીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના જામપર ગામે રહેતા એક સતવારા આસામીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ ધુમથળ ગામના ત્રણ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ કલ્યાણપુર તાલુકાના જામપર ગામના રહીશ અને હાલ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા નાથાભાઈ રામજીભાઈ નકુમ નામના 71 વર્ષના સતવારા વૃદ્ધએ તાલુકાના ધુમથળ ગામના રહીશ રાયસુર અજા બુચડ, પોલા અજા બુચડ તથા ભોજા અજા બુચડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આશરે ત્રીસેક વર્ષ પૂર્વે માળી ગામના જેઠાભાઈ જામ પાસેથી નાથાભાઈ રામજીભાઈ નકુમના મામાના દીકરા એવા નંદાણા ગામના રહીશ રામભાઈએ લીધેલા રૂપિયા 40,000 માં તેઓ જામીન પડ્યા હતા. આ પછી આજથી આશરે વીસ વર્ષ પહેલાં રામભાઈ અવસાન પામ્યા હતા. જેથી તેમની પાસેથી લેવાની થતી રકમની ઉઘરાણી જેઠાભાઈ જામ ફરિયાદી નાથાભાઈ નકુમ પાસે કરતા હતા.

જે-તે સમયે આ રકમ ચૂકવવા માટે તેઓ સક્ષમ ન હોવાથી તેઓ રાજકોટ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા અને પાછળથી જેઠાભાઈએ રામભાઈની ધુમથળ ગામે આવેલી રેવન્યુ સર્વે નંબર 278 ની ખેતીની આશરે 2.46 એકર જમીન ધુમથળ ગામના અજાભાઈ કારાભાઈ બુચડને ભાગીયા તરીકે વાવવા માટે આપી દીધી હતી. બાદમાં અજાભાઈ પણ મૃત્યુ પામતા તેમના ત્રણ પુત્રો રાયસુર અજાભાઈ, પોલા અજાભાઈ અને ભોજા અજાભાઈ દ્વારા આ જગ્યા વાવવામાં આવતી હતી.

આમ, કોઈપણ પ્રકારના વેચાણ દસ્તાવેજ વગર રૂપિયા 30 લાખની બજાર કિંમત અને રૂપિયા 5.95 લાખની જંત્રી મુજબની કિંમત ધરાવતી આ ખેતીની જમીન ઉપરોક્ત ત્રણેય શખ્સોએ રાખી અને કબજો ખાલી નહીં કરતા કલ્યાણપુર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.