દ્વારકામાં વિશ્વ મહિલા દિવસે જન્મેલી દીકરીઓના વધામણા કરાયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિકરીઓને વધામણા કિટનું વિતરણ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ મહિલા દિવસના દિવસે જન્મેલી દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયું હતું.

દ્વારકા જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દીકરી જન્મને પ્રોત્સાહન આપવાનો ધ્યેય નક્કિ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આ પ્રકલ્પને સિદ્ધ કરવા જિલ્લા ક્લેકટર એમ.એ.પંડયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ જન્મેલી દિકરીઓના જન્મને વધાવવા દિકરી વધામણા કિટનું વિતરણ અને વ્હાલી દિકરી યોજનાનો લાભ અપાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૪,૦૦૦અને ધોરણ ૯ માં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦ તથા ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન સહાય માટે રૂા.૧,૦૦,૦૦૦ મળીને કુલ રૂપિયા રૂ.૧,૧૦,૦૦૦ની સહાય હપ્તા સ્વરૂપે દિકરીની ૧૮ વર્ષની ઉમર પુરી થતા દીકરીના બેંક ખાતામાં ડી.બી.ટી. દ્વારા જમા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પતિ-પત્નિની સંયુક્ત આવકની મર્યાદા રૂપિયા બે લાખ હોય તેમણે દિકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરવાની હોય છે. તેમ વધુમાં જણાવાયું છે.