ખંભાળિયાની કે.ટી. ગોકાણી કોલેજમાં વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું

ચૂંટણીલક્ષી સ્પર્ધાઓમાં ભાગ લેવા અનુરોધ કરાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની કે.ટી. ગોકાણી કોલેજમાં મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. જેમાં ચૂંટણીલક્ષી સ્પર્ધાઓમાં ભાગ લેવા અનુરોધ કરાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી કે.ટી. ગોકાણી કોલેજ ખાતે આજરોજ ચૂંટણીપંચની મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત અહીંના દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી તરીકે જી.કે. રાઠોડ સાથે ચૂંટણી કર્મચારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફને કેમ્પસ એમ્બેસેડર તથા ઈ.એલ.સી. ક્લબ મારફતે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા ચૂંટણી જાગૃતિ સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં સહભાગી થવા આ સંસ્થાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી, તેઓમાં રહેલી આવડત અને સૂઝ પ્રદર્શિત કરવા જણાવ્યું હતું.