ખંભાળિયામાં તલાટી-મંત્રીની નોંધપાત્ર કામગીરી છતા બદલી સામે સતવારા સમાજમાં રોષ

સતવારા સમાજના તેર જેટલા ઉચ્ચ હોદ્દેદારો આગામી સપ્તાહમાં સામૂહિક રાજીનામાં આપશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના સતવારા સમાજના એક તલાટી સામે અહીંના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કથિત ઉચાપત તથા ભ્રષ્ટાચાર અંગેના કરવામાં આવેલા આક્ષેપોને અહીંના સતવારા સમાજ પાયા વિહોણા ગણાવી અને આ અંગે લડત આપવા સજજ થયા છે. આના અનુસંધાને સોમવારે રેલી સ્વરૂપે તંત્રને આવેદન બાદ આગામી સપ્તાહમાં ઉચ્ચ હોદ્દા પરના કાર્યકરોના સામૂહિક રાજીનામા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં રહેતા નિવૃત મિલ્ટ્રીમેન અને અહીંની ધરમપુર વિસ્તારના તલાટી મંત્રી જયેશભાઈ ડી. સોનગરા સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો અહીંના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે સતવારા સમાજ દ્વારા આવા આક્ષેપોને પાયાવિહોણા ગણાવી અને ધારાસભ્યના આ કથનનો વિરોધ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, કથિત આક્ષેપો વચ્ચે તલાટીની અહીંથી તાલુકા બહાર બદલી કરી દેવામાં આવતા સતવારા સમાજમાં ભારે નારાજગી સાથે ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે.

તલાટી મંત્રી જયેશભાઈ સોનગરા દ્વારા પાણી અંગેની નોંધપાત્ર કામગીરી છતાં પણ તેમના પર કરવામાં આવેલા આક્ષેપોથી નારાજ થયેલા સતવારા સમાજ દ્વારા સોમવાર તા. 14મીના રોજ અહીંના જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બપોરે સાડા ત્રણ વાગ્યે અત્રે જામનગર રોડ પર આવેલા વાછડાવાવ ખાતે સિધ્ધનાથ મંદિરે જ્ઞાતિના આગેવાનો તથા કાર્યકરો એકત્ર થશે અને રેલી સ્વરૂપે સત્તાવાળાઓને આવેદનપત્ર આપશે. આ કાર્યક્રમમાં જોડાવા સમાજના લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

વધુમાં ખંભાળિયાના સતવારા સમાજના તલાટી મંત્રીની બદલી પ્રકરણ સાથે સતવારા સમાજ દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોનું યોગ્ય નિરાકરણ આવતું ન હોય, જેના કારણે સમાજમાં પ્રતિનિધિ તારીકે પક્ષ દ્વારા તેઓને સોંપવામાં આવેલી જવાબદારીને ન્યાય આપી શકતા ન હોવાનું જણાવી, સતવારા સમાજના વિવિધ સંગઠન ક્ષેત્રે તેમજ જિલ્લાની વિવિધ કચેરીઓમાં પદાધિકારી તરીકે જવાબદારી સંભાળતા તેર જેટલા આગેવાનો તેઓને તેમની જવાબદારીમાંથી મુક્ત કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંયુક્ત સહીથી પત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ બી. કણજારીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ હરીભાઈ નકુમ, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયા, રોગી કલ્યાણ સમિતિના સભ્ય હરીભાઈ વાલજીભાઈ નકુમ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય દેવરાજભાઈ ચોપડા, ખંભાળિયા શહેર ભાજપના મહામંત્રી પિયુષભાઈ કણજારીયા, ખંભાળિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ લાલજીભાઈ નકુમ, સહિતના તેર હોદ્દેદારો સી.આર. પાટીલ તથા અન્ય હોદ્દેદારોને લેખિત પત્ર પાઠવી, સંગઠન તથા પદાધિકારીઓની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા લાગતા વળગતાને રાજીનામા આપશે.

આગામી સોમવારે રેલી તથા આવેદનપત્ર બાદ તારીખ 21 માર્ચના રોજ હોદ્દેદારો તેમના હોદ્દા પરથી રાજીનામાં આપશે અને એક કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા રહેશે તેમ વધુમાં જાણવા મળ્યું છે.

આમ, તલાટી મંત્રીના મુદ્દે સતવારા સમાજમાં થયેલા કથિત અન્યાય સંદર્ભે ભારે રોષ જોવા મળી રહ્યો છે.