દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજના રોષને ઠારવા દોડી આવતા પ્રભારીઓ

આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સાથેની મિટિંગ બાદ આગળની રણનિતી નક્કી કરાશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકામાં ફરજ બજાવતા એક તલાટી મંત્રી સામે અહીંના ધારાસભ્યએ કરેલા આક્ષેપો બાદ અહીંના સતવારા સમાજને યોગ્ય ન્યાય ન મળવા તથા તેઓના પ્રશ્નોના નિરાકરણ ન થતા હોવાનું કારણ આગળ ધરી, સતવારા સમાજ દ્વારા રેલી, આવેદન પત્ર તથા આગામી સપ્તાહમાં હોદ્દેદારોના સામૂહિક રાજીનામા આપવાનું એલાન કરી, આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે. આના અનુસંધાને આજરોજ જિલ્લાના પ્રભારીઓ ખંભાળિયા દોડી આવ્યા હતા અને મિટિંગોનો ધમધમાટ મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ધરમપુર વિસ્તારના તત્કાલીન તલાટી જયેશભાઈ સોનગરા સામે અહીના ધારાસભ્યએ વિવિધ પ્રકારના આક્ષેપો કર્યા બાદ તેમની તાલુકા ફેરબદલી કરાતા આના અનુસંધાને આવતીકાલે સોમવારે સતવારા સમાજ દ્વારા એકત્ર થઈ અને સાંજે અહીંના જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ભાજપ મહામંત્રી તથા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, નગરપાલિકા પ્રમુખ, શહેર મહામંત્રી સહિતના હોદ્દેદારોએ તેમના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા આપી દેવાની લેખિત જાહેરાત બાદ આ મુદ્દે ભારે દેકરા સાથે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો પ્રસરી ગયો છે. આના અનુસંધાને અહીંના જિલ્લા પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી તથા બીનાબેન આચાર્ય આજરોજ સવારે અહીં દોડી આવ્યા હતા.

આ બંને પ્રભારીઓએ સતવારા સમાજના આગેવાનો તથા હોદ્દેદારો સાથે વ્યક્તિગત રીતે મિટીંગો કરી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ મિટિંગના ધમધમાટ બાદ સતવારા સમાજ દ્વારા આવતીકાલે રેલી તથા આવેદનપત્રનો કાર્યક્રમ રાબેતા મુજબ રાખવામાં આવ્યો હોવાનું તથા સામૂહિક રાજીનામા મુદ્દે આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સાથે મુલાકાત બાદ નિર્ણય લેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

હોળી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં લાગેલી આ આગને ઠારવા જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ અને આગેવાન ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા પણ કાર્યકરોના પાર્ટી સાથેના મનદુઃખ દુર કરવા તેમજ મધ્યસ્થી માટેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મુદ્દો હાલ જિલ્લામાં હોટ ટોપિક બની રહ્યો છે.