રાજનો ઠાઠ : કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવતા પદયાત્રીઓને મોંઘાદાટ સુકામેવાની અવિરત લ્હાણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાધીશનો વૈભવ રૂડો છે. ફૂલડોલ ઉત્સવ નિમિત્તે કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઠેરઠેરથી આવતા પદયાત્રીઓને સેવાભાવીઓ દ્વારા મોંઘાદાટ સુકમેવાની લ્હાણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવિકો પણ શ્રીકૃષ્ણના રાજના ઠાઠનો સુખદ અનુભવ કરી રહ્યા છે.

હાલ દ્વારકા કાળિયા ઠાકોરના દર્શને લાખો પદયાત્રીઓ આવી રહ્યા છે. દ્વારકા તરફ આવતા માર્ગો પર ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સૌ આગળ વધી રહ્યા છે. ત્યારે ખંભાળિયાથી દ્વારકા વચ્ચે તો સેવાભાવી કૅમ્પોની હોડ લાગી છે. દરેક સેવાભાવી કૅમ્પોમાં શક્તિ એટલી ભક્તિ દર્શાવી સેવા કરવામાં આવી રહી છે.

ત્યારે રાજાધિરાજના ઠાઠમાઠમાં કોઈ ઓટ ન આવે તેમ સેવાભાવીઓ દ્વારા દ્વારકામાં જગતમંદિર ખાતે આવતા પદયાત્રીઓ માટે કાજુ-બદામની નિ:શુલ્ક વહેંચણી કરવામાં આવી રહી છે. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને મોંઘાદાટ કાજુ-બદામ સહિતના સૂકામેવાની અવિરત લ્હાણીનો વિડિયો કાળિયા ઠાકોરની ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યો છે.