સુરજકરાડીમાં સામાન્ય બાબતે યુવાનો પર હુમલો

ધમકી આપી, લૂંટ ચલાવવા સબબ આઠ શખ્સો સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સુરજકરાડીમાં સામાન્ય બાબતે યુવાનો પર હુમલો થયો હતો અને ધમકી આપી, લૂંટ ચલાવવા સબબ આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રાત્રિના સમયે બેઠેલા ત્રણ મિત્રો પર વાહનોમાં ધસી આવેલા આઠ શખ્સોએ છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી, માર માર્યાની તેમજ રોકડ સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવીને મારી નાખવાની ધમકી આપવા સબબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડાની કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા એભાભા વિરાભા સુમણીયા નામના 28 વર્ષના હિન્દુ વાઘેર યુવાન રાત્રીના આશરે સાડા દસ વાગ્યે તેમના મિત્રો સામરાભાઈ અને અજયભાઈ સાથે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક દુકાનના ઓટલા પર બેઠા હતા. આ સ્થળે સ્વિફ્ટ મોટરકાર તથા બે મોટરસાયકલમાં બેસીને આવેલા સુરજકરાડી ખાતે રહેતા રાકેશ ધનાભાઈ રોશીયા, રાહુલ ધનાભાઈ રોશીયા, દેવશી ધનાભાઈ રોશીયા, રોહિત મહેશ્વરી, રાહુલ મહેશ્વરી અને જીત મહેશ્વરી તથા આરંભડા ખાતે રહેતા કાનો અને રોહિત માંગલિયા નામના કુલ આઠ શખ્સોએ અહીં આવી, કોઈ કારણોસર તેમના મિત્ર સામરાભાઈ સાથે બોલાચાલી કરતા હતી.

ત્યારબાદ ફરિયાદીએ એભાભા સુમણીયા વચ્ચે પડ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સોએ તેમની સાથે રહેલા છરી, પાઈપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ રાકેશ રોશીયાએ ફરિયાદી એભાભાના ખિસ્સામાંથી રૂ. દસ હજાર રોકડા તથા દેવશી રોશીયાએ તેની પાસે રહેલા રૂ. પાંચ હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોનની લૂંટ કરીને નાસી છૂટયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ચાલુ થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસ એભાભા સુમણીયાની ફરિયાદ પરથી આઠેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 397, 324, 323, 143, 147, 148, 149, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવીએ તપાસ હાથમાં લઈ, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.