મધ્યપ્રદેશના સંતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : મધ્યપ્રદેશના પ્રખર સંત શક્તિપુત્ર દ્વારકામાં પધાર્યા અને દ્વારકા મામલતદાર તથા પોલીસ બંદોબસ્ત સાથે જગતમંદિરે દર્શન કર્યા હતા.

મધ્યપ્રદેશના જબલપુર નજીક ખૂબ જ રમણીય સ્થળ જ્યોતિ શક્તિ તીર્થ સિદ્ધાશ્રમના સંસ્થાપક શક્તિપુત્ર મહારાજ દ્વારકા પધાર્યા હતા. જેમાં અખિલ ગુજરાત સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું હતું. દ્વારકા જગતમંદિરે આવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને સંબોધ્યા હતા અને તેમના અનુયાયીઓ મધ્યપ્રદેશ સ્થિત આશ્રમ ખાતે તેમના દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. યોગી મહારાજ સાથે જગત મંદિરના વારદારપૂજારી દીપક ઠાકર ત્રણ દિવસ તેમની સાથે રહ્યા હતા.

તેઓના જણાવ્યા મુજબ યોગીરાજ શક્તિ પુત્ર મહારાજ દ્વારા 1994 કરવામાં આવેલી આગાહીઓ જેવી કે મહામારી તથા યુદ્ધની આગાહીઓ સાચી ઠરી છે. સાથે આ આશ્રમમાં નશામુક્તિ, નારી ઉત્થાન, બાળકોને અભ્યાસ, યોગ સાધના જેવી અન્ય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. નશામુક્તિ કેન્દ્રમાં લાખો લોકોએ નશાનો ત્યાગ કરી અને ધાર્મિક થયા હતા. તે સાથે ત્યાં ખૂબ મોટી ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. આ આશ્રમ દ્વારા સામાન્ય લોકોના સમુહલગ્ન પણ કરાવવામાં આવે છે.