ખંભાળિયાની માનવ સેવા સમિતિ દ્વારા વસઈ ખાતે નેત્ર તથા દંત કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે જામનગર જિલ્લાના વસઈ ગામની પ્રાથમિક શાળા ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ તેમજ દાંત કેમ્પ સાથે સર્વરોગ નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

લંડન સ્થિત રતનબેન ઝવેરચંદ કારા ફાઉન્ડેશન (હ. તારાબેન તથા અરવિંદભાઈ શાહ) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વસઈના સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણછોડભાઈ પરમાર, ઉપસરપંચ આલાભાઇ રબારી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ગવર્નર ગીતાબેન સાવલા, પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પિંગળ, તેમજ સામાજિક કાર્યકર હરીશભાઈ ખેતીયાએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચનમાં દાતાઓની ભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે માનવ સેવા સમિતિના સૌ ટ્રસ્ટીઓ તથા કાર્યકરોને અભિનંદન આપી, કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ટ્રેઝરર જગદીશભાઈ ચાવડાએ સર્વે મહેમાનોને આવકાર્યા હતા. આ ઉપરાંત માનવ સેવા સમિતિના પૂર્વ પ્રમુખ રાજુભાઇ મજીઠીયા તથા ટ્રસ્ટી નાથાલાલભાઈ બદીયાણીએ દાતા પરીવારના અરવિંદભાઈ શાહ તથા તારાબેન શાહનું શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતુ. અહીં ઉપસ્થિત સર્વેનું સંસ્થાના ટ્રસ્ટી વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ તથા પ્રાથમિક શાળા પરિવારના રાજભા જાડેજાએ પુષ્પગુચ્છ તથા સ્મૃતિભેટથી સન્માનિત કર્યા હતા. કેમ્પમાં આશરે 400 જેટલા દર્દીઓએ લાભ લઇ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડો. વિવેકભાઈ પરમાર, દાંતના નિષ્ણાત ડો. ક્રિષ્નાબેન મોરઝરીયા, સાથે ડો. એકતાબેન મંડોરા, તેમજ લેબોરેટરી વિભાગમાં રિમ્પલબેન બારાઈએ સેવાઓ આપી હતી. આંખમાં ઓપરેશનની જરૂરિયાત જણાયેલ દર્દીઓને ક્રમશઃ ખંભાળિયા ખાતેની લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે જ આંખના ઓપરેશન વિનામૂલ્યે કરી આપી નેત્રમણી પણ બેસાડી આપવાની વ્યવસ્થા કરી હતી. દાંતમાં પણ વિશેષ સારવારની જરૂર જણાતા દર્દીઓને ખંભાળિયા ખાતેની બદિયાણી હોસ્પિટલમાં જ વિના મૂલ્યે દરેક સારવાર આપવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ખજાનચી જગદીશભાઈ ચાવડાએ કર્યુ હતુ. સમગ્ર આયોજનને સફળ બનાવવા બદીયાણી હોસ્પિટલના મેનેજર અભિષેક સવજાણી, રાહુલ કણજારીયા તેમજ પ્રાથમિક શાળા પરિવાર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.