દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાશે

ખેડુતોને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આગામી રવિ માર્કેટીંગ સિઝનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિ. મારફતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોએ સ્થાનિક ગ્રામ્યકક્ષાએથી વી.સી.ઈ. દ્વારા તા. 31 માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે આધારકાર્ડની નકલ, અદ્યતન ગામનો નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડુતોના નામના બેંક ખાતાની વિગત, પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે જ લઈને સબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા જ કરવાની રહેશે. ડોક્યુમેન્ટસ ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેઓનો ક્રમ રદ્દ થશે અને ખરીદ્દી માટે તેઓને જાણ કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

આ અંગે મુશ્કેલી સર્જાય તો રાજ્યકક્ષાએ હેલ્પલાઈન નંબર 8511171718, તથા 8511171719 ઉપર અને જિલ્લાકક્ષાએ 02833-235990 પર સંપર્ક કરવાનો રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.