ખંભાળિયાની ચારણ કુમાર છાત્રાલયમાં બાલસભા યોજાઈ

બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે હેતુથી આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની ચારણ કુમાર છાત્રાલયમાં બાલસભાનું યોજાઈ હતી. બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં જડેશ્વર રોડ પર આવેલા સોનલ ધામ ખાતે ચારણ-ગઢવી સમાજના વિદ્યાર્થીઓમાં સમાજમાં શિક્ષણના ઉત્થાન હેતુથી નજીવી ફીમાં આઈશ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચારણ કુમાર છાત્રાલય કાર્યરત છે. જેમાં હાલમાં ધોરણ-10 અને 12 સહિતની પરીક્ષાઓ નજીક આવતી હોય, વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેતા હોવાથી આ પરિસ્થિતીમાં તેઓ હળવાશ અનુભવે અને વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે હેતુથી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો વિજયભાઈ કારીયા, પરબતભાઈ માયાણી, નવલભાઈ ધારાણી, બુધાભાઈ લુણા, ખીમાભાઈ રૂડાચ, કિશોર રૂડાચ, રામભાઈ જામ, મહેશ મોવર, રામ જોગાણી, ચંદ્રેશ ધમા, દેશુરભાઈ સહિતના સભ્યો દ્વારા ચારણ કુમાર છાત્રાલય ખાતે બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામ હરીયાણી, રાણસુર જામ અને આશપારભાઈ ધારાણી સહિતના કલાકારો દ્વારા ભજન, દુહા, છંદ અને છપાકડાની રમઝટ બોલાવી હતી.

આ છાત્રાલયના વિદ્યાર્થીઓએ દ્વારા પણ બાલસભામાં હોંશે હોંશે ભાગ લીધો હતો. ત્યાર બાદ સુર સંગીત સાથે ચારણોની પરંપરાગત ચારણી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટિવેશન સ્પીચ પણ આપવામાં આવી હતી. જેથી ઉપસ્થિત વિદ્યાર્થીમાં હળવાશ સાથે આનંદનો માહોલ છવાયો હતો.