દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં કુપોષણ મુક્તિ માટે સોમવારથી રાષ્ટ્રવ્યાપી અભિયાનની ઉજવણી કરાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં કુપોષણ મુક્તિ માટે સોમવારથી રાષ્ટ્રવ્યાપી અભિયાનની ઉજવણી કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના બાળકો અને માતાઓને કુપોષણની ઉણપમાંથી મુકત કરાવવા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા કુપોષણ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે જન-આંદોલનના ભાગરૂપે 6 વર્ષ સુધીના બાળકો માટે 21 મીથી 27મી માર્ચ સુધી પોષણના મૂલ્યને મહત્વ આપતું “સ્વસ્થ બાલક-બાલિકા સ્પર્ધા” રાષ્ટ્રવ્યાપી અભિયાનની ઉજવણી કરવામાં આવશે.

જેમાં પંચાયત રાજની ત્રણેય સ્તરની સંસ્થાઓ, માતા-વાલી અને સામાજીત સંસ્થાઓએ સંપૂર્ણ પણે ભાગીદાર બની રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વસતા પરિવારોમાં કુપોષણ, લોહીની ઉણપ, જન્મ સમયે ઓછું વજન ધરાવતા શિશુની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પરિવારની ગર્ભવતી બહેનો તથા ધાત્રી માતાઓની વિશેષ કાળજી રખાય અને તેમને પોષણ અભિયાન અંતર્ગત સ્વસ્થ આહાર મળે તેવા પ્રયત્નો કરવાના રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો કુપોષણ મુક્ત બને અને જિલ્લામાં કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વયં સામાજિક જવાબદારી અદા કરવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા જિલ્લાના નાગરીકો, પદાધિકારીઓને “સ્વસ્થ બાલક-બાલિકા સ્પર્ધા”માં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.