કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં રીનોવેશનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો

સુરજકરાડી ગામે આવેલ શાળાનું TCSRD દ્વારા રીનોવેશન કરાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાનાં સુરજકરાડી ગામે જર્જરિત કૃષ્ણનગર પ્રાથમિક શાળાનું TCSRD દ્વારા રીનોવેશન કરવામાં આવશે. જેથી, રીનોવેશનના ઉદ્ઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વારકાનાં સુરજકરાડી ગામે 2002થી કાયૅરત શ્રીકૃષ્ણનગર પ્રાથમિક શાળામાં હાલ આચાર્ય સહીત 9 શિક્ષકો 409 બાળકોને અભ્યાસ કરાવે છે. આ શાળાની છત જર્જરિત થઇ ગયેલ અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે બાળકોને બેસાડી શકાતા ન હતા. ઉપરાંત કમ્પાઉન્ડની દીવાલનું પ્લાસ્ટર પણ ઉખડી ગયેલ હતું. શાળાને મદદ કરવા સહદેવસિંહ પબુભા માણેક દ્વારા ટાટા કંપનીની ટી.સી.એસ.આર.ડી. સંસ્થાને રજુઆત કરાયેલ હતી. જેથી, TCSRD દ્વારા રીપેરીંગ કામ ઉપરાંત કેટલીક ભૌતિક સુવિધાઓ વધારી આપેલ છે.

આ અંતર્ગત ગઈકાલે તા. 15/03/2022 ના રોજ રીનોવેશન ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. મુખ્ય મહેમાન સહદેવસિંહ પબુભા માણેક હતા. આ ઉપરાંત, નગરપાલિકાનાં સદસ્ય હાડાભા માણેક, હઠીભા માણેક, મંત્રી આલાભા માણેક,TCSRDનાં પ્રાંતિક સરકાર, પંકજ વારીયા, ભીમાણી વગેરે હાજર રહ્યા હતા. દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ રીબીન કાપી રીનોવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું.

પ્રોજેક્ટરના માધ્યમથી રીનોવેશન પહેલાની શાળાને રીનોવેશન પછીની શાળાનો સ્લાઈડ શો વિપુલભાઈ દ્વારા બતાવેલ હતો. શાળાના આચાર્ય બાભણીયા ગીતાબેન દ્વારા શાળા પરિચય અને પ્રગતિ વિશે રીનોવેશનની જરૂરિયાત વિશે જણાવેલ હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો. સહદેવસિંહ દ્વારા શિક્ષકોને પેન અને બાળકોને કીટ ગિફ્ટ આપી નાસ્તો કરાવી ઠંડુ પીવડાવેલ હતું. આચાર્ય ગીતાબેન, શિક્ષકોમાં વિપુલભાઈ, જ્યોત્સ્નાબેન, જયશ્રીબેન, પ્રતિકભાઈ, ભારતીબેન, હેમંતભાઈ વગેરે શિક્ષકોએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.