ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આવતીકાલે વરણી થશે

પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજાના પત્ની ચેરમેન બનવાની સંભાવના

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લાના મહત્વના એવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આવતીકાલે વરણી થશે. જેમાં પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજાના પત્ની ચેરમેન બનવાની સંભાવના છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડની થોડા સમય પૂર્વે સંપન્ન થયેલી ચૂંટણીમાં નવી વરાયેલી બોડી બિનહરીફ વિજેતા થઈ છે. આ યાર્ડના નવા હોદ્દેદારોની ચૂંટણી આવતીકાલે ગુરુવારે સવારે મુકરર કરનાર કરવામાં આવી છે.

ખંભાળિયા નજીક આવેલા માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગના દસ, વેપારી વિભાગના ચાર, તથા ખરીદ વેચાણ સંઘના બે મળી કુલ સોળ સભ્યો બિનહરીફ વિજેતા થયા છે. ભાજપ પ્રેરિત નવી વરાયેલી આ બોડીમાં આગામી સમયના માટેના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી આવતીકાલે ગુરુવાર તારીખ 17 મીના રોજ સવારે 11 વાગ્યે અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર છે. અહીંના યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની નિમણૂક માટેની આ બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહ ઉપસ્થિત રહેનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુસુપ્ત હાલતમાં રહેલા અહીંના માર્કેટિંગ યાર્ડને સજીવન કરી, ધમધમતુ કરવા માટે જેનો સિંહ ફાળો છે તે, યાર્ડના તત્કાલીન ચેરમેન પી.એસ. જાડેજા કે જે અગાઉ ત્રણ ટર્મ સુધી સતત વિજેતા થઈને ચેરમેન તરીકે સેવારત બન્યા હતા. હાલની નવી બોડીમાં તેમના ધર્મપત્ની ચંદુબા પી. જાડેજા ચૂંટાયા છે. ત્યારે આગામી ચેરમેન તરીકે ચંદુબા પ્રતાપસિંહ જાડેજાનું નામ પ્રથમ હરોળમાં છે અને તેઓ આગામી ટર્મના સુકાની બની રહે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.