દ્વારકામાં ફૂલડોલ નિમિત્તે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા પોલીસ અને વહીવટી તંત્રે કમર કસી

લાખો દર્શનાર્થીઓની સુવિધા માટે 1200 પોલીસ જવાનો તૈનાત રહેશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આગામી ફુલ્ડોલ ઉત્સવને અનુલક્ષીને દ્વારકામાં પદયાત્રીઓની સંખ્યા દરરોજ વધી રહી છે ત્યારે દર્શનાર્થીઓને કાળિયા ઠાકોરના દર્શન સારી વ્યવસ્થા સાથે રીતે થઈ શકે તે માટે ફૂલડોલ ઉત્સવમાં 1200 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી અને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વિભાગ અને વહીવટી તંત્રે કમર કસી છે.

ભારતના પશ્ચિમ છેવાડે આવેલા ગુજરાતના મુખ્ય તીર્થ સમાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી યાત્રાધામ દ્વારકામાં છેલ્લાં બે વર્ષમાં કોરોના કાળના કારણે બંધ અનેક તહેવારોમાં ભક્તો ભગવાનના સન્મુખ જઈને દર્શન કરી શક્યા નથી. ત્યારે ગત વર્ષે કોરોના કહેરને કારણે કુલડોલ ઉત્સવ દરમિયાન મંદિર ભક્તો માટે બંધ રહ્યું હતું. ત્યારે આ વખતે તારીખ 17 અને 18ના દ્વારકામાં કુલડોલ ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહેશે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાંથી લાખો પદયાત્રીકો પગપાળા ચાલીને ફાગણ માસની સુદ પૂનમના દિને ફુલડોલ ઉત્સવ મનાવવા દ્વારકા આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી દ્વારકા સુધીનો હાઈવે માર્ગ પદયાત્રીકોથી ઉભરાઈ રહયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી અને જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ 1200 પોલીસકર્મીઓ અને અન્ય વહીવટી તંત્રના અધિકારીઓ આ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે.

સુરક્ષા બંદોબસ્તમાં 5 ડી.વાય.એસ.પી.,15 પી.આઈ., 50 પી.એસ.આઈ. અને પોલીસકર્મી, એસ.આર.ડી., એસ.આર.પી., જી.આર.ડી. સહિતના પોલિસ સ્ટાફ વ્યવસ્થા માટે ગોઠવામાં આવનાર છે. દ્વારકા મંદિરના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરીસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવરજવરની રસ્તાની અલગથી વ્યવસ્થા કરાય છે.