ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા દર્દીઓ માટે સોમવારે વિવિધ કેમ્પનું આયોજન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા દર્દીઓ માટે સોમવારે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી સોમવાર તારીખ 21 મી ના રોજ વિવિઘ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ સ્થિત શાંતાબેન ગુલાબરાય બદીયાણી (ગાંધી) ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, અને સહયોગી સંસ્થા અક્ષય સુભાષ મોરઝરિયા ફાઉન્ડેશન (હ. હિરલબેન શશાંકકુમાર ઝા) ના સંપૂર્ણ આર્થિક સહયોગથી સોમવારે સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નેત્ર નિદાન સારવાર કેમ્પ, દંત ચિકિત્સા કેમ્પ તેમજ અન્ય દર્દોના નિદાન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટર વિવેક પરમાર, દાંતના નિષ્ણાત ડોક્ટર ક્રિષ્નાબેન મોરજરિયા સાથે અન્ય રોગોના નિષ્ણાત ડોક્ટર એકતાબેન મંડોરા સાથે લેબોરેટરી વિભાગના નિષ્ણાત રિમ્પલબેન બારાઈ સેવા આપશે. આ કેમ્પનો લાભ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના વ્યાપક પ્રમાણમાં દર્દીઓને લેવા માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આંખમાં ઓપરેશનની જરૂરીયાત જણાતા દર્દીઓને ક્રમશઃ બદીયાણી હોસ્પિટલ ખાતે જ ઓપરેશન કરી, નેત્રમણી પણ વિનામૂલ્યે જ બેસાડી આપવામાં આવશે. આ સાથે દાંત માટે પણ વિશેષ સારવાર જણાતા દર્દીઓને બદીયાણી હોસ્પિટલ ખાતે જ ક્રમશઃ તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા માનવ સેવા સમિતિના ટ્રેઝરર જગદીશભાઈ ચાવડા, ટ્રસ્ટી નાથાલાલભાઈ બદીયાણી, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ, સેક્રેટરી મનુભાઈ પાબારી, મેનેજર અભિષેક સવજાણી અને રાહુલ કણજારીયા જહેમત ઉઠાવી રહ્યા છે.