દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન અને જગતમંદિરમાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી

લાખો પદયાત્રીઓ-સ્થાનિકો દ્વારા ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષથી દેવભૂમિ દ્વારકા ગુંજી ઉઠ્યું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : હોળી અને ધુળેટી પર્વ નિમિત્તે યાત્રાધામ દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશના દર્શનનું અનેરું માહાત્મ્ય છે. અન્ય જિલ્લાઓમાંથી, ઠેર-ઠેરથી લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચી ગયા છે. ત્યારે ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષથી દેવભૂમિ દ્વારકા ગુંજી ઉઠ્યું છે.

યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ નિમિત્તે ભાવિકો અને પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળાના દર્શનથી લઇ અત્યારે બપોર સુધીમાં આશરે એક લાખ જેટલા ભાવિકોએ દર્શન કર્યા છે. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી 56 સીડી ચડી કાળિયા ઠાકોરનાં દર્શન કરવા ભારે ભીડ જામી છે. પરંતુ ક્યાંય અવ્યવસ્થા નજરે ચડી નથી. ચારે તરફ બેરીકેટીંગ બાંધ્યા હોવાથી કૃષ્ણભક્તો શાંતિપૂર્વક દર્શન કરી રહ્યા છે.

આમ, તીર્થનગરી દ્વારકામાં હોળી નિમિત્તે લાખો પદયાત્રીઓ અને સ્થાનિકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. અને દ્વારકાના ગોમતી નદીમાં સ્નાન અને જગતમંદિરમાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી છે.