જામરાવલ નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 3.33 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જીલ્લાની જામરાવલ નગરપાલિકા દ્વારા બજેટ મંજુર કરાવવા માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં જુદા-જુદા વિકાસલક્ષી કામો માટે રૂ. 14.30 કરોડના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાની જામરાવલ નગરપાલિકા દ્વારા ગત તા. 14ના રોજ સન 2022-’23ના બજેટ મંજુર કરાવવા માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ખાસ સામાન્ય સભાના અધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખ મનોજભાઇ રામશીભાઇ જાવ દ્વારા રૂ. 3.33 કરોડની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું અને જામરાવલ શહેરને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવવા માટે આગામી વર્ષમાં શહેરમાં રોડ-રસ્તા, સફાઇ તેમજ લોકોને પૂરતા પ્રમાણમાં પાણીની સગવડો મળી રહે તે માટે અંદાજીત રૂ. 14.30 કરોડના ખર્ચેના જુદા-જુદા વિકાસલક્ષી કામો તેમજ જામરાવલ શહેરને ફરવાલાયક સ્થળ મળે તેવા હેતુથી જલારામનગર તળાવનું બ્યૂટીફીકેશન તથા જોગીંગ પાર્ક બનાવાનું કામ તેમજ શહેરના જુદા-જુદા વિસ્તારમાં વૃક્ષારોપણ દ્વારા શહેરને ગ્રીન સીટી બનાવવાના કામો આવતા વર્ષે લોકોને ઉપયોગમાં આવે તેવા અંદાજો સામેલ કરી તમામ સદસ્યો તથા ચીફ ઓફીસર સમક્ષ રજૂ કરવામાં આવતા જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા છે