હોળી ઉત્સવ ઉજવવા લાખોની સંખ્યામાં જનમેદની જગતમંદિર પરિસરમાં ઉમટી

હોળી ઉત્સવ ઉજવવા લાખોની સંખ્યામાં જનમેદની જગતમંદિર પરિસરમાં ઉમટી

સુદ્રઢ વ્યવસ્થા જાળવવા તંત્રની કવાયત : બેટ દ્વારકા, શિવરાજપુર બીચમાં પણ યાત્રાળુઓનો ધસારો

(રિશી રૂપારેલિયા) જામ ખંભાળિયા : હોળી ઉત્સવ ઉજવવા દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લાખોની સંખ્યામાં જનમેદની મંદિર પરિસરમાં ઉમટી પડતા સુદ્રઢ વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.

હિન્દુઓના પવિત્ર પર્વ હોળી તથા ધુળેટી ઉત્સવની ઉજવણી માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું અનન્ય મહત્વ છે. દર વર્ષે હોળી- ધુળેટી નિમિત્તે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ તથા ભક્તો દ્વારકા ખાતે ઉમટી પડે છે. જેમાં ચાલીને આવતા પદયાત્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હોય છે.

આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા દ્વારકામાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી છે. છેલ્લા બે દિવસથી દ્વારકા સંપૂર્ણપણે હાઉસફુલ બની રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા આવ્યા છે. ગઈકાલે હોળી પૂર્વે દ્વારકામાં આશરે એક લાખથી વધુ યાત્રાળુઓ આવી ચૂક્યા છે.

યાત્રાધામ દ્વારકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત રાખવા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દેવસ્થાન સમિતિ ઉપરાંત કલેકટર તંત્ર સાથે પોલીસ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીં ભાવિકો તથા યાત્રાળુઓ માટેની સુચારૂ વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, મંદિર વિભાગના ડી.વાય.એસ.પી. સમીર સારડા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાની રાહબરી હેઠળ લોકોની ભીડ તથા ધક્કામુક્કી ન થાય તે માટે બેરીકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા અગાઉની જેમ કીર્તિ સ્તંભ પાસેથી ગોમતી નદીના કાંઠેથી કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ સ્થળ પણ થોડે દૂર અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે. આ માટે હોમગાર્ડસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ છેલ્લા ત્રણ દિવસમાં આશરે પાંચેક લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લ્યે તેવી સંભાવના વચ્ચે જરૂરી વ્યવસ્થા ગોઠવવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. ગઈકાલે બુધવારે આશરે 1.15 લાખ દર્શનાર્થીઓ, જ્યારે આજે સવારે દસ વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર 80 હજાર કેટલા લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા..!!

મંદિર પરિસરમાં દિવ્યાંગો તથા વૃધ્ધો માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી વ્યક્તિઓ સાથે એટેન્ડન્ટની છુટ તથા જરૂર પડ્યે પોલીસ અને હોમગાર્ડસના જવાનો પણ સેવા આપે છે. મંદિરમાં પ્રસાદી માટે વધારાના કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થી લોકોની ભીડ ન થાય તેમ જ ભાઈઓ તથા બહેનોની અલગ અલગ લાઈનો ચાલે તે માટે પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આમ, ખાસ કરીને પોલીસ તંત્રની નોંધપાત્ર જહેમત સાથે સુરક્ષા વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી બની રહી છે. હોળી તથા ધુળેટીના પર્વ નિમિત્તે ફક્ત દ્વારકા જ નહીં પરંતુ બેટ દ્વારકા તથા શિવરાજપુર બીચ વગેરે વિસ્તારમાં પણ નોંધપાત્ર સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળે છે.