ખંભાળિયાની રેસ્ટોરન્ટમાં ભીષણ આગથી દોડધામ: વ્યાપક નુકશાની

ફાયર વિભાગની જહેમતથી આગ કાબુમાં આવી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની રેસ્ટોરન્ટમાં ભીષણ આગથી દોડધામ થઇ ગઈ હતી. આગના લીધે વ્યાપક નુકશાની થઇ હતી. બાદમાં ફાયર વિભાગની જહેમતથી આગ કાબુમાં આવી હતી.

ખંભાળિયાના ધમધમતા એવા ચાર રસ્તા પાસે ગઈકાલે શુક્રવારે રાત્રે એક જાણીતી રેસ્ટોરન્ટમાં એકાએક ભીષણ આગ ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગના જવાનોએ દોડી જઈ, જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ખંભાળિયા શહેરના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ નામની એક હોટલમાં ગઈકાલે ધૂળેટીના રોજ રાત્રિના આશરે સવા દસ વાગ્યે એકાએક આગ લાગી હતી. આ રેસ્ટોરન્ટના રસોડામાં લાગેલી આગે થોડીવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ રેસ્ટોરન્ટના જુદા-જુદા ભાગો તથા ફર્નિચરો અને માલસામાનને આગની ઝપટમાં લઈ લીધા હતા.

આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો અવિરત મારો ચલાવી, લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

તહેવારને કારણે રાત્રીના સમયે નોંધપાત્ર સંખ્યામાં ગ્રાહકોની ભીડ વચ્ચે રેસ્ટોરન્ટના રસોડામાં ગેસ લીક થવાના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના લીધે થોડો સમય ભારે દોડધામ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ આગમાં ફર્નિચર સહિતનો કેટલાક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આ બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું.