ખંભાળિયામાંથી ચોરી પ્રકરણના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના ખંભાળિયામાંથી ચોરી પ્રકરણના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક વેપારીની દુકાનમાંથી થોડા સમય પૂર્વે અનાજના 62 કટા (બાચકા)ની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આના અનુસંધાને સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાકીના આધારે અહીંના મિલન ચાર રસ્તા પાસેથી પોરબંદર રોડ તરફ જતા જી.જે. 18 એ.એક્સ. 6710 નંબરના પીયાગો સી.એન.જી. રીક્ષાને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ રીક્ષામાંથી સાત કટ્ટા (બાચકા) મળી આવ્યા હતા.

જે સંદર્ભની પૂછપરછ દરમિયાન રિક્ષામાં જઈ રહેલા અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રોહિત સુરેશભાઈ રાઠોડ (ઉ.વ. 21), વિપુલ સોમાભાઈ રાઠોડ (ઉ.વ. 20) તથા અહીંના ધરારનગર વિસ્તારમાં આશાપુરા ચોક ખાતે રહેતા સાલેમામદ શાજીદઅલી બુખારી (ઉ.વ. 30) નામના શખ્સોની પૂછપરછ કરતા અગાઉ થયેલી 62 કટા (બાચકા)ની ચોરીની કબુલાત આપી હતી.

આથી પોલીસે ₹ 30,800 ની કિંમતના સાત કટ્ટા અનાજ, તેની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલી રૂપિયા 50,000 ની કિંમતની સી.એન.જી. રીક્ષા તથા રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 91,300 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.