દેશદ્રોહી પ્રવૃત્તિ માટે કુખ્યાત સલાયા પંથકમાં પોલીસની ટોચની એજન્સીના ધામા

એટીએસ પોલીસ આવ્યાની વ્યાપક વાતોથી ભારે ચકચાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેશદ્રોહી પ્રવૃત્તિ માટે કુખ્યાત સલાયા પંથકમાં પોલીસની ટોચની એજન્સીએ ધામા નાખ્યા હતા અને એટીએસ પોલીસ આવ્યાની વ્યાપક વાતોથી ભારે ચકચાર મચી ગઈ હતી.

હાલારમાં સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા સલાયા વિસ્તારમાં દાયકાઓ અગાઉ સ્મગ્લિંગ સહિતની દેશદ્રોહી પ્રવૃત્તિ માટે આ પંથક કુખ્યાત બની રહ્યો હતો. બાદમાં વચ્ચે થોડા વર્ષોના વિરામ બાદ પુનઃ સલાયા પંથક ભારે ચર્ચામાં આવ્યું છે. આજથી આશરે ચાર માસ પૂર્વે સલાયામાંથી ઝડપાયેલો ₹ 315 કરોડની કિંમતના તોતિંગ માત્રામાં ડ્રગ્સના જથ્થા બાદ વધુ એક વખત સલાયા પંથકમાં પોલીસ વિભાગના વાહનોની અવર-જવારે ભારે ચર્ચા જગાવી છે. થોડા દિવસ પૂર્વે આ પંથકમાંથી જાલી નોટ સંદર્ભનું પગેરું હોવાની આશંકા સાથે પોલીસની રાત્રી ચેકીંગ કામગીરી બાદ સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ કે અન્ય કોઈપણ પ્રકરણ અંગે ખાનગી અને ઉચ્ચ તપાસ એજન્સીએ આવી અને ડ્રગ્સનો જથ્થો પકડ્યો હોવાની વાતે જોર પકડ્યું છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ આ વિસ્તારમાં કરવામાં આવેલી પોલીસની કામગીરીએ જિલ્લાભરમાં ભારે ચકચાર સાથે ઇંતેજારી પ્રસરાવી છે.