દ્વારકા જિલ્લામાં મહિલા અભયમ્ હેલ્પલાઈન અને પોલીસ દ્વારા બાળલગ્ન અટકાવાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અભયમ્ હેલ્પલાઈન અને પોલીસ દ્વારા બાળલગ્ન અટકાવાયા હતા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા સ્થાનિક પોલીસનો સહકાર મેળવી 14 વર્ષની ઉંમરની બાળકીના લગ્ન થતા પહેલા જ અટકાવવામાં આવ્યા હતા. આ બાળકીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવવામાં આવ્યો છે.

આ અંગે સેન્ટર પર આ બાળકીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના પિતા એક મોટી ઉંમરના યુવક સાથે ફુલહાર કરીને બાળકીના લગ્ન કરાવવાના હતા. જે લગ્ન માટે બાળકી પોતે પણ તૈયાર ન હોવા છતાં આ લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા.

જાગૃત નાગરિક દ્વારા 181 ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. આ બાબતની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીને કરતા તેમના માર્ગદર્શન હેઠળ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવ અને સેન્ટરની ટીમનાં સંકલનથી સગીર તરુણીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા દેવભુમિ દ્વારકાની બાળ કલ્યાણ સમિતી સમક્ષ રજુ કરી અને સમિતી દ્વારા બાળ લગ્ન કરવાએ કાનુની અપરાધ છે એ દીકરીના વાલીઓને સમજાવી દિકરીના કાયદાની જોગવાઇ અનુસાર લગ્ન કરવા સમજણ આપવામાં આવી હતી.

વધુમાં નાની વયમાં થતા લગ્નથી દિકરીને ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરાવી, પુખ્તવયની થાય ત્યારબાદ જ લગ્ન કરવા માટે લેખિત બાંહેધરી લઈ દિકરીના દાદાને દિકરી સોપવામાં આવી હતી. આમ, વિવિધ વિભાગોના સંકલનથી દિકરીના ભવિષ્યને અંધકારમય બનતા અટકાવવામાં આવ્યું હતું.