ખંભાળિયામાં ચકલી માટેના કુંડાનું વિતરણ કરાયું

ત્રણ હજાર જેટલા કુંડાનું વિતરણ કરાયું

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા : વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયામાં જાણીતી સેવા સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા અગાઉની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ સ્પેરો ડે એટલે કે ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ખંભાળિયામાં વિવિધ સેવા કાર્યો કરતી સત્યમ સેવા સમિતિના કાર્યકરોએ એકત્ર થઈ અને ગઈકાલ રવિવારે અત્રે મ્યુનિસિપલ ગાર્ડન સ્થિત યોગ કેન્દ્ર ખાતે નગરજનોને વિનામૂલ્યે ચકલી માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં સંસ્થાના કાર્યકરો દ્વારા 3000 જેટલા કુંડા લોકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, જીગ્નેશભાઈ પરમાર,નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોની આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.

આ માટે નેચર એન્ડ એડવેન્ચરના ભરતભાઈ સુરેજાનો નોંધપાત્ર સહયોગ સાંપળ્યો હતો.આ સમગ્ર અને સફળ કાર્યક્રમ માટે સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.