ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજા દ્વારા નૂતન ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમો યોજાયા

નાગેશ્વર મહાદેવ તથા દ્વારકાધીશજી મંદિરે સુંદર કાર્યક્રમોનું સમાપન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજા દ્વારા નૂતન ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. અને નાગેશ્વર મહાદેવ તથા દ્વારકાધીશજી મંદિરે સુંદર કાર્યક્રમોનું સમાપન થયું હતું.

ખંભાળિયા અને દ્વારકા જિલ્લા સહિત સાથે સમગ્ર હાલાર પંથકના ક્ષત્રિય આગેવાન અને હોદ્દેદાર પી.એસ. જાડેજા પરિવાર દ્વારા તાજેતરમાં વિશ્વવિખ્યાત દ્વારકાધીશજી મંદિર તથા નાગેશ્વર મહાદેવના મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના આગેવાનો, હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓને ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો રંગેચંગે સંપન્ન થયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણી તથા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન, સમગ્ર હાલાર પંથકના ક્ષત્રિય સમાજના પ્રમુખ તથા મહત્વની એવી ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા પરિવાર દ્વારા ગત રવિવારે સવારે ઓખા મંડળ સ્થિત જાણીતા એવા નાગેશ્વર મહાદેવના મંદિરના શિખર પણ પરંપરાગત અને ધાર્મિક રીતે નૂતન ધ્વજારોહણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે બપોર બાદ વિશ્વવિખ્યાત એવા દ્વારકાના જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધજાજી પૂજન, શોભાયાત્રા તેમજ સમૂહ પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ફક્ત ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો જ નહીં પરંતુ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી રાજકીય આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો તેમજ સરકારી અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનમાં જામનગરના ધારાસભ્ય અને તત્કાલીન મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, આર.એ.સી. કે.એમ. જાની, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મૂળુભાઈ બેરા, જવાહરભાઈ ચાવડા, ભીખુભાઈ વારોતરીયા, ડોક્ટર આર.એન. વારોતરીયા, મૂળુભાઈ કંડોરીયા, યાસીનભાઈ ગજ્જન, અગ્રણી ચંદુભાઈ બારાઈ, નિર્મલભાઈ સામાણી, સાથે સહકારી ક્ષેત્રના તથા રાજકીય ક્ષેત્રના તમામ આગેવાનો-હોદ્દેદારો તથા અધિકારીઓએ આ ધર્મમય આયોજનનો લાભ લીધો હતો.

આ આયોજનમાં સહભાગી થઈ અને કાર્યક્રમને દીપાવવા બદલ ઉપસ્થિત સૌ કોઈ સાથે દ્વારકાના બ્રહ્મ સમાજ, શારદા પીઠના સંચાલકો તથા જહેમત ઉઠાવનાર તમામ લોકોનો આયોજક પી.એસ. જાડેજા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.