ફાંસીના માંચડે હસતા-હસતા ચઢીશ ને હવેથી માતાઓ બાળકોમાં ભગતસિંહને જોવાની આશા રાખશે : ભગતસિંહનો છેલ્લો પત્ર

આજે 23 માર્ચના રોજ શહીદ દિન : દેશમાં ફાંસીનો વિરોધ થતા ગભરાયેલા અંગેજોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને એક દિવસ વ્હેલી ફાંસી આપી

દેશમાં દર વર્ષે તા. 23 માર્ચને શહીદ દિન નિમિતે ત્રણ ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. અંગ્રેજ અધિકારી જે.પી.સોન્ડર્સની હત્યા અને સેન્ટ્રલ એસેમ્બલી (દિલ્લી સંસદ)મા બોમ્બ ફેકવાના આરોપસર ત્રણેયને ફાંસીની સજા અપાઇ હતી. તેઓએ તારીખ 23 માર્ચ, 1931ને સોમવારના રોજ 7 વાગ્યાને 33મી મિનિટએ લાહોર જેલ (હાલ પાકિસ્તાનમાં) ફાંસીના માંચડે ચડી શહીદી વહોરી હતી. ત્યારે આજે શહીદોને યાદ કરી સમગ્ર ઘટના પર નજર કરીએ.

17 નવેમ્બર, 1928ના રોજ સાયમન કમિશનના બહિષ્કારના શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શનમા અંગ્રેજ સિપાહીઓએ લાઠિચાર્જ કરેલો અને આ લાઠિચાર્જમા ઘણા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોમા વરિષ્ઠ કાંતિકારી લાલા લજપત રાય નુ પણ નિધન થયુ હતુ. જે બનાવના પગલે તમામ યુવા ક્રાતિકારીઓ સમસમી ઉઠ્યા હતા. અને ઘટનાનો જડબાતોડ જવાબ આપવાનુ નક્કી કરવામા આવુ હતુ.

17 ડિસેમ્બર, 1928ના રોજ ભગતસિંહ અને રાજગુરુ એ મળીને અંગ્રેજ પોલીસ અધિકારી ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડેન્ટ જે.પી.સોન્ડર્સને જાહેરમાં ગોળીઓથી ઠાર કર્યો હતો. જેમા અચુક નિશાની એવા રાજગુરુએ પ્રથમ ગોળીથી સોન્ડર્સનુ નિશાન તાક્યુ હતુ.

8 એપ્રિલ, 1929 ના રોજ ધારાસભા (દિલ્લી એસેમ્બલી) મા ભગતસિંહે બોમ્બ ફેંક્યો હતો. બોમ્બ ફેંકવાનો મુખ્ય ઉદેશ કોઇને નુકશાન પહોંચાડવાનો નહોતો પણ અત્યાચાર અને શોષણવાળી અંગ્રેજ સરકારના બહેરા કાનમા ધડાકો કરવાનો હતો. બોમ્બ ફેંક્યા પછી તેઓ ભાગ્યા નહિ. જેથી, તેમની ધરપકડ કરવામા આવી. જે પછી અદાલતમા ભગતસિંહના આપવામા આવેલા ક્રાંતિકારી નિવેદનોની વિશ્વના પત્રકારોએ નોંધ લીધી અને ભારતમા ભગતસિંહ ક્રાંતિનું પ્રતિક બની ગયા.

7 ઓક્ટોબર, 1930 ના ત્રણેય ક્રાંતિકારી સપૂતોને ફાંસીની સજા આપવાનુ જાહેર કરવામા આવ્યું. ભગતસિંહ અને રાજગુરુને અંગ્રેજ પોલીસ અધિકારી જે.પી.સોન્ડર્સની ગોળી મારી હત્યા કરવા બદલ અને સુખદેવને જે.પી.સોન્ડર્સની હત્યાની યોજના ઘડવામા મુખ્ય ભૂમિકા ભજવવા બદલ 24 માર્ચ, 1931ના દિવસે ફાંસીની સજા આપવામા આવશે, એવો ચુકાદો આપવામા આવ્યો.

ફાંસીને લઇને દેશમાં વિરોધ

23 માર્ચ, 1931ના રોજ ફાંસીની સજાને લઇને દેશમા ચર્ચાઓ અને વ્યાપક વિરોધ પ્રદર્શનથી ગભરાઇને ફાંસી માટે નક્કી કરેલી તારીખના એક દિવસ અગાઉ જ ત્રણેય ક્રાંતિવીરોને ફાંસી આપી દેવામા આવી હતી. ફાંસી આપ્યા પછી આંદોલનો અને હિંસા ના થાય તે હેતુથી ત્રણેય ક્રાંતિવીરોના મૃતદેહના ટુકડા કરી ચુપચાપ, ઉતાવળેથી સતલજ નદીના કિનારે હુસેનીવાલા ફિરોજપુર (હાલ પાકિસ્તાન) ખાતે લાશોને અંગ્રેજ સિપાહી દ્વારા સળગાવી દેવામા આવી હતી. અંધારા સળગતી લાશો જોઇને લોકો દોડી આવ્યા. જે જોઇને સળગતી લાશોના ટુકડા નદીમાં ફેંકી દીધા અને અંગ્રેજો ભાગી છુટ્યા. ગામલોકોએ અર્ધ સળગેલ મૃતદેહોના ટુકડા એકત્રિત કરીને પછી વિધિવત રીતે અગ્નિસંસ્કાર કર્યા હતા.

ભગતસિંહે જેલમાંથી દેશવાસીઓને લખેલો છેલ્લો પત્ર

ફાંસીનાં માચડા પર ચઢતા પહેલા ભગતસિંહે દેશવાસીઓને એક પત્ર લખ્યો હતો. 28, સપ્ટેમ્બર 1907નાં રોજ તેમનો જન્મ થયો હતો. ભગતસિંહને ફાંસી મળી ત્યારે તેઓ ફક્ત 24 વર્ષનાં જ હતા. ફાંસી પર ચઢતા પહેલા તેમણે જે પત્ર લખ્યો હતો તે જોઈએ.

“મિત્રો, સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા તો મારામાં પણ હોવી જ જોઈએ. હું તેને છુપાવવા નથી માંગતો, પણ હું ફક્ત એક જ શરતે જીવવા માંગું છું કે હું ગુલામ બનીને જીવવા નથી માંગતો. મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતિક બની ચૂક્યું છે. ક્રાંતિકારી દળોનાં આદર્શોએ મને ખૂબ મહાન બનાવી દીધો છે, જીવતા રહેવા માટે હવે હું આનાથી વધારે ઉપર નથી જઈ શકું તેમ. હું ફાંસીના માચડા પર પણ હસતા હસતા જ ચઢીશ અને હવેથી હંમેશા દરેક માતાઓ તેમના બાળકોમાં ભગતસિંહને જોવાની આશા રાખશે. આવું થવાથી સ્વતંત્રતા મેળવવા માટે બલિદાન આપનારાઓની સંખ્યા વધશે. હવે તો જીવનની અંતિમ પરિક્ષાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આશા રાખુ છું કે હવે જલ્દીથી બધુ પતી જાય.”