ભાણવડ પાલીકાના ચીફ ઓફિસરને થતી કનડગત અંગે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો

પાલીકાના મહિલા હોદ્દેદારોના પતિદેવો દ્વારા અડચણ થતી હોવાની રાવ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભાણવડ પાલીકાના ચીફ ઓફિસરને થતી કનડગત અંગે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જેમાં પાલીકાના મહિલા હોદ્દેદારોના પતિદેવો દ્વારા અડચણ થતી હોવાની રાવ કરવામાં આવી છે.

ભાણવડ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી યેનકેન પ્રકારે વિવાદમાં રહેલી છે. ભાણવડ નગરપાલિકાની તત્કાલીન બોડી સુપરસિડ થતા તાજેતરમાં યોજાઈ ગયેલી પેટા ચૂંટણીમાં સત્તા પરિવર્તન બાદ હાલ કોંગ્રેસનું શાસન છે. ત્યારે અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને પાલિકામાં પુનઃ મુકવામાં આવેલા ચીફ ઓફિસરને પાલિકાના મહિલા હોદ્દેદારોના પતિદેવો દ્વારા વિવિધ પ્રકારે કનડગત થતી હોવાની લેખિત ફરિયાદ અરજી પાલિકાના પ્રાદેશિક કમિશનર, પોલીસ તંત્ર વિગેરેને કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પુનઃ ચાર્જમાં મૂકવામાં આવેલા મયુર જોશીએ ગત ફેબ્રુઆરી માસથી તેમનો હોદ્દાનો ચાર્જ સંભાળ્યો છે, ત્યાર પછીથી પાલિકાના મહિલા પ્રમુખના પતિ તેમજ કારોબારી ચેરમેનના પતિ દ્વારા કચેરીમાં આવી અને પોતાના પત્ની વતી વહીવટી પ્રક્રિયામાં ભાગ લઈ, કચેરીની ફાઈલો તપાસતા હોવા અંગેની ફરીયાદ કરતી અરજી રાજકોટ ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરને કરવામાં આવી છે. આ પત્રમાં જણાવાયા મુજબ ઉપરોક્ત બન્ને પતિદેવ વહીવટી કામગીરીમાં દખલઅંદાજી કરી, તેમની ફરજમાં રૂકાવટ કરે છે. મહિલા હોદ્દેદારોના પતિ આખો દિવસ કચેરીમાં પડ્યા પાધર્યા રહેતા હોય, તેઓને ધારાસભ્યનો ટેકો હોવાથી તેઓ બેફિકર બની અને કચેરીમાં રહી કર્મચારીઓને સૂચનાઓ આપે છે તેમ જણાવી, આ પરિસ્થિતિમાં ચીફ ઓફિસરને પોતાની સરકારી ફરજ બજાવવા પોલીસ પ્રોટેક્શનની માંગણી પણ પ્રાદેશિક નિયામકના આ પત્રમાં કરવામાં આવી છે.

આ પત્રની નકલ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્ણય વિભાગના નાયબ સચિવ, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કચેરીના કમિશનર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને પણ કરવામાં આવી છે.

ભાણવડના ચીફ ઓફિસર દ્વારા અન્ય એક પત્ર કચેરીના જાવક નંબરથી સ્થાનિક પી.એસ.આઈ.ને પણ મોકલવામાં આવ્યો છે. જેમાં પણ ઉપરોક્ત મુદ્દે સવિસ્તૃત રજૂઆત કરી, તેમના પર કોઈ ઈસમો દ્વારા બદઇરાદો પાર પાડવાના હેતુથી હુમલો કરવામાં આવે કે એટ્રોસિટી જેવી ખોટી ફરિયાદો કરવામાં આવે તેવી દહેશત વ્યક્ત કરી, અને હાલ તેઓને કચેરીમાં ફરજ બજાવી મુશ્કેલ બની રહેતી હોય, તેમને કચેરીની ફરજ બજાવવા માટે સરકારી ખર્ચે પોલીસ પ્રોટેક્શન ફાળવવાની પણ માંગ કરી છે.

છેલ્લા ઘણા સમયથી ભાણવડ નગરપાલિકામાં ચાલતા આ પ્રકારના આંતરિક સખડડખડથી સ્થાનિક વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. ત્યારે હોદેદારો અને સત્તાધીશો વચ્ચેનો આ ગજગ્રાહ પછાત ગણાતા ભાણવડના વિકાસ માટે અવરોધરૂપ બની રહે તેવું ચિત્ર નિર્માણ થયું છે.